જામનગરના ધ્રોલમાં પરિણીતાને દહેજના મેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ : પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુક્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલમાં ફતેપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ સહિત સાસુ, સસરા અને દિયર સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લગ્ન બાદ શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ સાસુએ પતિને ચડામણી કરી નજીવી બાબતોમાં ઝઘડા થતા અને સાસરીયાઓ દ્વારા મેણા-ટોણા મારી ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદી રૂખસારબેન સલીમભાઈ વીસણીના લગ્ન તા.1 ઓક્ટોબર, 2023ના રોજ સુરતના આદિલભાઈ અલ્તાફભાઈ વિધાણી સાથે મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને મહમદ અબ્બાસ નામનો દસ માસનો પુત્ર છે. લગ્ન બાદ તેઓ પતિ આદિલભાઈ, સસરા અલ્તાફભાઈ, સાસુ સબીનાબેન અને દિયર સાહીલભાઈ સાથે સુરતના મુગલીસરા વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, શરૂઆતમાં સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુનું વલણ બદલાયું હતું અને પતિને પોતાની વિરુદ્ધ ચડામણી કરવામાં આવતી હતી. તેના કારણે પતિ સાથે અવારનવાર નજીવી બાબતોમાં ગેરસમજ થતી હતી અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સસરા તથા દિયર પણ પતિ અને સાસુની તરફેણમાં રહી ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રાસથી કંટાળીને રૂખસારબેન બે વખત પોતાના માવતરે રીસામણે આવ્યા હતા. બંને વખત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન કરાવી તેઓ ફરી સાસરીયે ગયા હતા. જોકે ત્યારબાદ પતિ, સાસુ, સસરા અને દિયર દ્વારા ‘તું તારા માવતરેથી કંઈ કરિયાવર લાવેલ નથી’ તેમ કહી મેણા-ટોણા મારવામાં આવતા અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ફરિયાદીનું કહેવું છે કે, નાનું બાળક હોવાથી જેટલો ત્રાસ સહન કરી શકાય તેટલો સહન કર્યો હતો. પરંતુ તા. 18 મે, 2026ના રોજ તેમને તથા તેમના દસ માસના પુત્રને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના માવતરે રહે છે અને આજદિન સુધી સાસરીયા પક્ષમાંથી પોતે કે પુત્રની ખબર પૂછવા માટે કોઈ ફોન કે સમાચાર આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે રૂખસારબેને પતિ આદિલભાઈ, સાસુ સબીનાબેન, સસરા અલ્તાફભાઈ અને દિયર સાહીલભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.









