જામનગરમાં વુલનમિલ વિસ્તારમાં પોતાના ઘેર દારૂ પીને તોફાન કરનાર પતિને પત્ની દ્વારા પોલીસને સોંપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરના વુલનમીલ મહાકાળી સર્કલ પાસે ગાયત્રીનગર શેરી નં. 1માં રહેતા લખમણભાઈ દેવાભાઈ સોલંકી (ઉંમર 58) દારૂ પીધેલી હાલતમાં ઘરે તોફાન કરતાં તેમની પત્ની અમૃતબેને 112 પોલીસમાં ફોન કરી જાણ કરી હતી. જેથી પોલીસ સ્થળે પહોંચી હતી અને બંનેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.
પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં લખમણભાઈ થોથરાતી જીભે બોલતા હતા અને તેમના મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ આવતી હતી. તેમની આંખો નશાથી લાલ જણાતી હતી. તેમજ ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે પત્ની અમૃતબેન લખમણભાઈ સોલંકીની ફરિયાદના આધારે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી), 85 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધ્રોલ નજીક લતીપર ગામે પત્નીએ પતિ દારૂ પીધેલી હાલતમાં બકવાસ કરતો હોવાની 112માં જાણ કરતાં પોલીસે પતિને પકડ્યો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે પત્નીએ પોતાના પતિ દારૂ પીધેલી હાલતમાં બકવાસ કરતો હોવાની જનરક્ષક 112માં જાણ કરતાં ધ્રોલ પોલીસ હરકતમાં આવી હતી. 112માં મળેલી ફરિયાદના આધારે પોલીસે પતિને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું જણાતા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, લતીપર ગામે રહેતા અંજુબેન રાજેશભાઈ દાસોટીયાએ જનરક્ષક 112માં જાણ કરી હતી કે તેમના પતિ રાજેશભાઈ દારૂ પીધેલી હાલતમાં છે અને બકવાસ કરી રહ્યા છે. આ ફરિયાદના આધારે ફરજ પરની પોલીસ ટીમ રાજેશભાઈ લખમણભાઈ દાસોટીયા (ઉંમર 40, ધંધો ખેતી, રહે. લતીપર ગામ, તા.ધ્રોલ, જી.જામનગર)ને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી.
પોલીસે સ્ટેશન ખાતે રાજેશભાઈ સાથે વાતચીત કરતાં તેઓ બકવાસ કરતા જણાયા હતા, અને મોઢામાંથી કેફી પીણું પીધાની વાસ આવતી હતી તેમજ ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું પોલીસને જણાયું હતું.
આથી પત્નીની 112ની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા રાજેશભાઈ દાસોટીયા નશાની હાલતમાં મળી આવતા ધ્રોલ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) તથા 85(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









