Jamnagar

જામનગરમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતા 4 શખ્સોનો હિચકારો હુમલો : બે યુવકો પર લોખંડના પાઇપથી હુમલો કરાતા ગંભીર ઇજા

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ભીમવાસ શેરીમાં મોટરસાઇકલ પૂરપાટ ચલાવવા બાબતે બોલાચાલી થતાં 4 શખ્સોએ યુવાન અવિનાશ પગારે અને તેના મિત્ર કિશન ભારદ્વાજ પર લોખંડના પાઇપથી હુમલો કર્યો. હુમલામાં બંનેને માથામાં ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા. પોલીસે નવાઝ, ફેઝલ, ઇસ્માઇલ અને ગની ચમડીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતા 4 શખ્સોનો હિચકારો હુમલો  : બે યુવકો પર લોખંડના પાઇપથી હુમલો કરાતા ગંભીર ઇજા

Jamnagar Crime : જામનગરના ભીમવાસ વિસ્તારમાં શેરીમાંથી મોટરસાઇકલ પુરપાટ ઝડપે ચલાવીને નીકળતા યુવાનને શેરીમાં વાહન ધીમું ચલાવવા કહેવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા ચાર શખ્સોએ એક યુવાન તથા તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપથી હુમલો કરતાં બંનેને માથામાં ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ભીમવાસ શેરી નં.1, જુના રેલવે સ્ટેશન પાસે રહેતા અવિનાશ દિપકભાઇ પગારે (ઉ.વ.31)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.20 ઓગસ્ટની રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘર પાસે શેરીમાં ઉભા હતા ત્યારે પાડોશમાં રહેતા નવાઝ ચમડીયા અને ફેઝલ ચમડીયા મોટરસાઇકલ પુરપાટ ઝડપે લઇને શેરીમાંથી પસાર થતાં તેમને શેરીમાં વાહન ધીમું ચલાવવા કહેતાં નવાઝે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી.
દરમિયાન અવાજ સાંભળી ઈસ્માઇલ ચમડીયા, ગનીભાઇ ચમડીયા અને મોહીન ચમડીયા ત્યાં આવી પહોંચ્યા હતા. આ શખ્સોએ ભેગા મળી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ઈસ્માઇલ તથા મોહીનના હાથમાં રહેલા લોખંડના પાઇપ ફરિયાદીના માથામાં વાગતાં ઇજા પહોંચી હતી.
ફરિયાદીનો મિત્ર કિશન રમેશભાઇ ભારદ્વાજ વચ્ચે પડી બચાવવા જતાં તેને પણ લોખંડના પાઇપનો ઘા માથામાં વાગ્યો હતો. બનાવમાં ફરિયાદી તથા કિશન બંનેને માથામાંથી લોહી નીકળતાં પાડોશીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદીને માથાના આગળના ભાગે ત્રણ તથા પાછળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા, જ્યારે કિશનને માથામાં સાત ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા ત્યારે ગનીભાઇ ચમડીયાએ ફરિયાદીને ફરી ઝઘડો કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.