જામનગર પંથકમાં શ્રાવણ માસના પ્રારંભ પહેલા જ જુગારની રંગત : પોલીસના બે દરોડામાં મહિલાઓ સહિત 12 જુગારીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં જુગારીયા તત્વો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. શ્રાવણ દરમિયાન જુગાર રમવાની પ્રવૃત્તિ વધતી હોવાની પરંપરાગત સ્થિતિ વચ્ચે આ વખતે પણ તેની શરૂઆત વહેલી થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે. તેના ભાગરૂપે એલસીબી અને સ્થાનિક પોલીસે શહેરમાં અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી કુલ 12 જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી. ખાસ નોંધનીય બાબત એ છે કે ઝડપાયેલા 12 પૈકી 10 મહિલાઓનો સમાવેશ થાય છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 87,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રથમ દરોડો પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનમાં પાડવામાં આવ્યો હતો. ખાનગી બાતમીના આધારે જુગારધારા કલમ-6 હેઠળ વિશેષ વોરંટ મેળવી એલસીબીએ કાર્યવાહી કરતાં પ્રવિણભાઈ મેરામણભાઈ ચાવડા (ઉ.વ. 38), ધનાભાઈ હાજાભાઈ વાંભરીયા (ઉ.વ. 35), નયનાબેન રાજેશભાઈ બુધ (ઉ.વ. 45) અને લતાબેન ચંદ્રકાંત ગાંધી (ઉ.વ. 70) તીનપત્તી રોન પોલીસ જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડ રકમ, નાલની રકમ, ગંજીપાના પત્તા અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 85 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રવિણભાઈ ચાવડા અને ધનાભાઈ વાંભરીયાની ધરપકડ કરી હતી, જ્યારે બંને મહિલા આરોપીઓને કોર્ટની માર્ગદર્શિકા મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.
બીજા દરોડામાં રામેશ્વરનગરના શિવમ એસ્ટેટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોન પોલીસ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ વિભાગની સર્વેલન્સ સ્કોડે કાર્યવાહી કરી હતી. ત્યાંથી જનકબેન ભગવાનજીભાઈ રાઠોડ, જશુબેન રમેશભાઈ જેઠવા, હેતલબેન અશોકભાઈ મકવાણા, નીતાબેન શૈલેષભાઈ કાલરિયા, રીયાબેન મુકેશભાઈ ક્રિપલાણી, કંચનબેન ઘનશ્યામદાન ગઢવી, મીનાબા ભરતસિંહ પરમાર અને માલાબેન વિજયભાઈ રાઠોડ સહિત આઠ મહિલાઓ ઝડપાઈ હતી. તેમની પાસેથી રૂ.2,550ની રોકડ રકમ તથા 28 ગંજીપાનાના પત્તા કબજે કરી ગુજરાત જાહેર જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









