Jamnagar

જામનગરમાં બાથરૂમમાં ફસાયેલી બાળકીના રડવાનો અવાજ સાંભળીને ફાયર જવાનોનું દિલ દ્રવી ઊઠ્યું : 10 મિનિટમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરના એરફોર્સ રોડ-2 પર અવધ એપાર્ટમેન્ટમાં 1 બાળકી બાથરૂમમાં ફસાઈ જતાં પરિવારમાં ગભરાટ ફેલાયો હતો. રડતી બાળકીને જોઈ માતા પણ આક્રંદ કરવા લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા જવાનો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જોખમી રેસ્ક્યુ કરી, માત્ર 10 મિનિટમાં બાળકીને સુરક્ષિત બહાર કાઢી, જેથી માતાના જીવમાં જીવ આવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બાથરૂમમાં ફસાયેલી બાળકીના રડવાનો અવાજ સાંભળીને ફાયર જવાનોનું દિલ દ્રવી ઊઠ્યું : 10 મિનિટમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન

Jamnagar News : જામનગર શહેરના એરફોર્સ રોડ-2 પર આવેલા અવધ એપાર્ટમેન્ટમાં એક બાળકી બાથરૂમમાં ફસાઈ જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દીકરી બાથરૂમની અંદરથી જોરજોરથી રડી રહી હતી, જ્યારે બહાર તેની માતા પણ આક્રંદ કરી રહી હતી. આવા સમયે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર જવાનો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માત્ર 10 મિનિટમાં જ જોખમી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકીને સલામત રીતે બહાર કાઢી હતી.
મળતી માહિતી મુજબ, પ્રિયંકાબેનનો ફોન આવતા એરફોર્સ રોડ-2 સ્થિત અવધ એપાર્ટમેન્ટના પ્રથમ માળે બાથરૂમની અંદર બાળકી ફસાઈ ગઈ હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બહાર બાળકીની માતા ભારે રડી રહી હતી અને મદદ માટે આજીજી કરી રહી હતી. બીજી તરફ બાથરૂમની અંદરથી પણ બાળકીના જોરજોરથી રડવાનો અવાજ સંભળાતો હતો. આ દૃશ્ય જોઈ ફાયર જવાનો પણ એક ક્ષણ બગાડ્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી.
બાળકી સુધી ઝડપથી પહોંચવા માટે ફાયર જવાનોએ જોખમ ખેડીને ગ્રીલની મદદથી ઉપર ચઢી બાથરૂમ તરફ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. બાથરૂમની કાચની બારી બચાવ કામગીરીમાં અડચણરૂપ બનતી હોવાથી ફાયર જવાનોએ સાવચેતીપૂર્વક કાચ તોડ્યો હતો. કાચના ટુકડા નીચે ફેંકી દીધા બાદ ફાયર જવાનોએ બાથરૂમની અંદર પ્રવેશ મેળવ્યો હતો અને અંદર ફસાયેલી બાળકી સુધી પહોંચી તેને સલામત રીતે બહાર કાઢી હતી.
બાળકીને બહાર લાવવામાં આવતા જ બહાર રાહ જોઈ રહેલી માતાએ દીકરીને પોતાની નજર સામે સલામત જોઈ રાહતનો શ્વાસ લીધો હતો. માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. થોડા સમય પહેલાં દીકરી માટે રડતી માતાના ચહેરા પર દીકરીને સલામત જોઈ રાહત અને સંતોષ જોવા મળ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોલ મળ્યાના ગણતરીના સમયમાં જ ઘટનાસ્થળે પહોંચી જોખમ વચ્ચે કાચની બારી તોડી બાથરૂમમાં પ્રવેશ કરી બાળકીનો જીવ બચાવનાર ફાયર જવાનોની કામગીરીને પરિવારજનોએ બિરદાવી હતી. ફાયર જવાનોની સમયસૂચકતા, હિંમત અને ત્વરિત નિર્ણયના કારણે આશરે 10 મિનિટમાં જ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ફાયર બ્રિગેડની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું કે આપત્તિના સમયે ગણતરીની મિનિટો કેટલી મહત્વની હોય છે અને ફાયર જવાનો પોતાની જાનની પરવા કર્યા વિના લોકોના જીવન બચાવવા માટે હંમેશા તૈયાર રહે છે.