લાલપુર નજીક ભણગોરના પાટિયા પાસે ઇનોવા-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઈકસવારનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના પાટિયા પાસે મોડી રાત્રે ઇનોવા કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર ચીમનભાઈ જંબુભાઈ મીનામાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી લાલપુર પોલીસે ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ ચીમનભાઈ જંબુભાઈ મીનામા પોતાની જીજે-03-એચએમ-0138 નંબરની મોટરસાયકલ લઈને જામજોધપુર તરફથી લાલપુર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ભણગોર ગામના પાટિયા પાસે સામેથી લાલપુર તરફથી આવતી કાળા રંગની ટોયોટા ઇનોવા કાર નં. જીજે-37-એસી-0070ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને ટક્કર મારી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
અકસ્માતમાં ચીમનભાઈને કપાળ, નાક, હોઠ, પેટ તેમજ બંને પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના ભાઈ મીથુનભાઈ જંબુભાઈ મીનામાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇનોવા ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), 152(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




