જામનગરના હરિપર ગામે વીજ લાઈન માટે સંપાદિત જમીનના વળતરના મામલે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને આવેદન પાઠવી આંદોલનની ચીમકી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Farmers Protest News: જામનગર તાલુકાના હરિપર ગામની સીમમાંથી પસાર થતી વીજલાઈનો અને પાવર સ્ટેશન માટે જમીન સંપાદન તથા તેના વળતરના મુદ્દે વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા હરિપર ગ્રામ પંચાયતના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, જમીનના વાસ્તવિક બજારભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવા અને જો અન્યાય થશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
જમીનના ઓછા ભાવ સામે ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોએ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વીજલાઈનો અને પાવર સ્ટેશન માટે જમીનના ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. હાલ જમીનના વીઘા દીઠ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તેના કરતા વાસ્તવિક બજાર ભાવ ઘણો વધારે છે. હરિપર વિસ્તારમાં રોડ ટચ જમીન અને ફળદ્રુપ જમીનના ભાવ સામાન્ય ખેતીની જમીન કરતાં ઘણા ઊંચા છે. ત્યારે સમગ્ર લાઈન માટે એકસરખો ભાવ નક્કી કરવામાં આવે તો રોડ ટચ જમીનના માલિકોને મોટો અન્યાય થશે.
આથી જમીનના સ્થળ, રોડની નજીકતા, ફળદ્રુપતા અને વાસ્તવિક બજાર કિંમતના આધારે અલગ-અલગ મૂલ્યાંકન કરવાની માંગણી કરવામાં આવી છે. વધુમાં, હાઈકોર્ટના ચુકાદા છતાં કંપની દ્વારા કાયદાકીય પ્રક્રિયામાં કાવાદાવા કરવામાં આવતા હોવાનો તેમજ ખેડૂતોને ધમકાવીને કે લાલચ આપીને સંમતિ મેળવવાના પ્રયાસો થતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
યોગ્ય વળતર ન મળે તો આંદોલનની ચીમકી
ખેડૂતોએ જામનગર જિલ્લામાં એમઆરસી કમિટીની રચના ન કરવાની, અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લઈને જમીનના વાસ્તવિક બજારભાવ મુજબ વળતર નક્કી કરવાની તેમજ રોડ ટચ અને ફળદ્રુપ જમીનનું અલગ મૂલ્યાંકન કરવાની માંગણી કરી છે. તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરી ખેડૂતોને થતો અન્યાય અટકાવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે.




