કાલાવડ તાલુકના જીવાપરમાં જંતુનાશક દવાની ઝેરી અસરથી ખેડૂતનું અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: કાલાવડ તાલુકાના જીવાપર ગામે કપાસના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ ઝેરી અસર થતાં ખેડૂતની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન ખેડૂતનું મોત નીપજતાં કાલાવડ ટાઉન પોલીસમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, જીવાપર ગામના ગીરધરભાઇ વેલજીભાઇ ફળદુ (ઉ.વ.45), તા.4 ઓગસ્ટના રોજ પોતાની વાડીએ વાવેલા કપાસના પાકમાં ‘પ્રોફેનો ફોર્સ’ નામની જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન દવાની ઝેરી અસર થતાં તેઓ બેભાન થઇ ગયા હતા.
બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પિતા વેલજીભાઇ ગંગદાસભાઇ ફળદુએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ એ.ડી. નોંધ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એસ. જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.









