જામનગર નજીક મોટી ખાવડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Hit and Run : જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે 80 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ જતાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, જોગવડ ગામના રાણીશીપ વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા અને વેપાર કરતા લાલજીભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ. 54)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કુટુંબી ભાઈ કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉ.વ. 80) જે ભંગાર વીણી ગુજરાન ચલાવે છે, તેઓ તા. 3 ઓગસ્ટની મધરાત્રિએ ભંગાર વીણવા માટે ઘરેથી નીકળ્યા હતા.
રાત્રે આશરે 12 વાગ્યે ફરિયાદીને કોઈ વ્યક્તિએ જાણ કરી હતી કે જામનગર-ખંભાળિયા રોડ પર રાણીશીપના ઢાળિયા પાસે અકસ્માત થયો છે. જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તે સમયે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી. સ્થળ પર કરશનભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં રોડ પર પડેલા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને સારવાર માટે ટ્રોમા વોર્ડમાં દાખલ કર્યા હતા. ફરિયાદ નોંધાઈ ત્યારે તેઓ બેભાન હાલતમાં સારવાર હેઠળ હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી કરશનભાઈને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.









