દેવભૂમિ દ્વારકાના 14થી વધુ અંતરિયાળ અને નિર્જન ટાપુઓ પર પણ લહેરાયો ત્રિરંગો, પોલીસ તંત્ર દ્વારા અનોખી ઉજવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Police Hoists Tricolour on Over 14 Isolated and Uninhabited Islands | દેવભૂમિ દ્વારકા: રાજ્યના છેવાડાના અને ભૌગોલિક રીતે સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 80મા સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ. જિલ્લાના જુદા જુદા અંતરિયાળ અને દરિયાઈ ટાપુઓ પર પોલીસ તંત્ર દ્વારા ઉત્સાહપૂર્વક ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતિબંધો વચ્ચે ટાપુઓ પર ફરક્યો ત્રિરંગો
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 22 ટાપુઓ આવેલા છે, જે પૈકી અનેક ટાપુઓ પર માનવ વસ્તી નથી. સુરક્ષા અને સરહદી સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર અવર-જવર કરવા પર કડક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં રહે છે. આવા કઠિન અને પ્રતિબંધિત વિસ્તારોમાં પણ દર વખતની પરંપરા મુજબ આ વખતે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ પહોંચી હતી.
સ્થાનિક ગ્રામજનો સાથે રાષ્ટ્રગાન ગુંજ્યું
દરિયાઈ સીમાઓ પર ફરજ બજાવતી પોલીસ ટીમે અંતરિયાળ ટાપુઓ પર આવેલા વસ્તીવાળા વિસ્તારોમાં સ્થાનિક ગ્રામજનોને સાથે રાખીને ઉત્સાહભેર ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાયું હતું, જેના કારણે આખા દરિયાઈ પટ્ટી પર અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ તંત્રની આ રાષ્ટ્રપ્રેમી પહેલથી છેવાડાના માનવીઓ અને ટાપુવાસીઓમાં પણ સ્વતંત્રતા પર્વનો અદભુત ઉત્સાહ છવાઈ ગયો હતો.









