Jamnagar

જામનગરમાં વિદ્યાર્થીનીનો ઓનલાઈન હેરાનગતિ કરી અનિચ્છનીય માંગણીઓ કરનાર શખ્સ સાયબર પોલીસના હાથે ઝડપાયો

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસે 18 વર્ષીય વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પર હેરાન કરનાર વૃષિત વાળાને ઝડપી પાડ્યો છે. આરોપીએ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી, ધમકીભર્યા મેસેજ અને વીડિયો કોલ કરીને યુવતીને પરેશાન કરી હતી. તેણે AI ટૂલથી યુવતીના ભાઈનો ફોટો એડિટ કરી ધમકી પણ આપી હતી. પોલીસે IPC અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વિદ્યાર્થીનીનો ઓનલાઈન હેરાનગતિ કરી અનિચ્છનીય માંગણીઓ કરનાર શખ્સ સાયબર પોલીસના હાથે ઝડપાયો

Jamnagar Cyber Crime : Jamnagar Cyber Crime : જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષની વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયા મારફતે સતત ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી તેમજ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર એક શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લીપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં સઘન તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની તપાસ દરમિયાન સેટેલાઇટ પાર્ક, જામનગર ખાતે રહેતા વૃષિત વ્રજલાલ વાળાની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીના ભાઈનો ફોટો ઓનલાઈન મેળવી એ.આઈ. ટૂલની મદદથી તેમાં ફેરફાર કર્યો હતો અને તે ફોટો ઇન્સ્ટાગ્રામ મારફતે ફરિયાદી યુવતીને મોકલી તેના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડવાની ધમકી આપી હતી. ઉપરાંત આરોપી વારંવાર વીડિયો કોલ કરી યુવતી પર પોતાના તાબે થવા દબાણ કરતો હતો તેમજ સતત ઓનલાઈન પીછો કરીને અનિચ્છનીય માંગણીઓ કરી માનસિક હેરાનગતિ પહોંચાડતો હતો.
સાયબર પોલીસે બનાવમાં ઉપયોગમાં લેવાયેલા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો મેળવી તેનું ટેકનિકલ વિશ્લેષણ કરતાં આરોપીની ઓળખ થઈ હતી. ત્યારબાદ તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 75, 78, 351(3), 351(4) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ 66(સી) હેઠળ ગુનો ક્રમાંક 10/2026 નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સાયબર ક્રાઇમ પોલીસે વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પોતાની વ્યક્તિગત માહિતી તથા ફોટોગ્રાફ્સ બિનજરૂરી રીતે સોશિયલ મીડિયા પર શેર ન કરે. જો કોઈ અજાણ્યો વ્યક્તિ સોશિયલ મીડિયા મારફતે ધમકી આપે, અશ્લીલ સંદેશા મોકલે અથવા અનિચ્છનીય માંગણીઓ કરે તો તાત્કાલિક માતા-પિતા અને નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો.