જામજોધપુર પંથકમાં ખાનગી કંપનીની પવનચક્કીના કન્ટેનરનું તાળું તોડી રૂ.10.84 લાખનો કોપર કેબલ ચોરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક ખાનગી કંપનીની પવનચક્કીના ટાવર લોકેશન નં.505 પાસે રાખવામાં આવેલા કન્ટેનરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો અંદરથી રૂ.10,84,600ની કિંમતનો કોપર કેબલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શેઠવડાળાથી જશાપર ગામ તરફ જતા રસ્તા પર સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના ટાવર લોકેશન નં.505 પાસે પતરાનો માલસામાન રાખવા માટે કન્ટેનર મૂકવામાં આવ્યું હતું. તા.24 જુલાઇની રાત્રે 11 વાગ્યાથી તા.25 જુલાઇની સવારે 8:00 વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ચોરે કન્ટેનરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ચોરે કન્ટેનરમાં રાખેલા કોપર કેબલ વાયરના લાકડાના ડ્રમમાંથી આશરે ૩૭૪ મીટર કોપર કેબલ ચોરી કરી લીધો હતો. એક મીટર કોપર કેબલની કિંમત રૂ.2,900 ગણતાં કુલ રૂ.10,84,600ની કિંમતનો કેબલ ચોરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે ધ્રાફા ગામના અને રાજવી સિક્યુરિટી એજન્સીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ તા.15 ઓગસ્ટના રોજ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
શેઠવડાળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-305(એ), 331(2), 331(3) અને 331(4) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકી ચલાવી રહ્યા છે.









