Jamnagar

જામનગરમાં નોનવેજ ખાધા બાદ 35 લોકોની તબિયત લથડતા ચકચાર, કેટરર્સનું રસોડું સીલ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં 'એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ'માંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30 થી 35 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. 4 ઓક્ટોબરે રાત્રે ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી થતાં તમામને જી.જી. હોસ્પિટલ ખસેડાયા. હાલ 11 દર્દીઓ સારવાર હેઠળ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અસ્વચ્છ સ્થિતિ જોતાં કેટરર્સને સીલ કરી, 5 નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નોનવેજ ખાધા બાદ 35 લોકોની તબિયત લથડતા ચકચાર, કેટરર્સનું રસોડું સીલ

Jamnagar News : જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી 'એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ'માંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30 થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એક સાથે 35 થી વધારે લોકોની તબિયત લથડી

પ્રાપ્ત વિગતો મુજબ, તા. 4 ઓક્ટોબરની રાત્રે બેડેશ્વર અને આસપાસના વિસ્તારમાં રહેતા 30થી 35 લોકોએ આ કેટરર્સમાંથી બિરયાની અને અન્ય નોનવેજ વાનગીઓ ખરીદીને આરોગી હતી. આ ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે અચાનક તમામ લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી જેવી તકલીફો શરુ થતાં ફૂડ પોઈઝનિંગની અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. તબિયત લથડતાં આ તમામ અસરગ્રસ્તોને ત્વરિત સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ બેડેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ જે દર્દીઓની તબિયતમાં સુધારો થયો હતો તેમને તબક્કાવાર રજા આપવામાં આવી છે, જ્યારે હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં ક્રમશઃ સુધારો થઈ રહ્યો છે.

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ અને ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ટીમ દ્વારા કેટરર્સની જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક તબક્કે ભારે અસ્વચ્છ (અનહાઇજેનિક) પરિસ્થિતિ જોવા મળી હતી. આ પરિસ્થિતિને જોતાં ફૂડ વિભાગ દ્વારા આગામી આદેશ ન થાય ત્યાં સુધી 'એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ'ને સીલ કરી દેવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી નોનવેજ વાનગીઓના જુદા જુદા 5 નમૂના જપ્ત કરીને ગુણવત્તા ચકાસણી અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેથી ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવી શકે.