Gujarat

કાલાવડમાં એક રહેણાંક મકાનમાંથી પોણા ત્રણ લાખની કિંમતના સોનાના દાગીનાની ઉઠાંતરી થઈ ગયાની ફરિયાદ થી ચકચાર

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
કાલાવડમાં એક રહેણાંક મકાનમાંથી પોણા ત્રણ લાખની કિંમતના સોનાના દાગીનાની ઉઠાંતરી થઈ ગયાની ફરિયાદ થી ચકચાર

- રહેણાંક મકાન માં કલર કામ કરવા માટે આવેલા ત્રણ શખ્સો સામે શંકાની સોઇ: ત્રણેય ભાગી છૂટયા હોવાથી પોલીસ દ્વારા શોધખોળ

જામનગર, તા. 05

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં ગઈકાલે તસ્કરોના પરોણાં થયા હતા, અને એક રહેણાંક મકાનમાંથી પોણા ત્રણ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. રહેણાંક મકાન માં કલર કામ ચાલતું હોવાથી તેના ત્રણ કારીગરો ચોરી કરીને ભાગી છૂટયા હોવાનું જણાવાયું છે, જેથી પોલીસે ત્રણેય ને શકદાર તરીકે ઘણી શોધખોળ હાથ ધરી છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં ખત્રીવાડ ગરબી ચોક વિસ્તારમાં 'કંચન વીલા' નામના મકાનમાં રહેતા હિરલબેન ચિંતનભાઈ બોસમીયા નામની મહિલાએ પોતાના રહેણાંક મકાનમાંથી રૂપિયા 2,75,75૦ ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ ગયાની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં સોનાની ચાર બંગડી, લેડીસ વીંટી, સોનાનો હાર, સોનાની લકી, સોનાની વીંટી, વગેરે ઘરેણાં હતા. જે ચોરી થયાનું જણાવાયું છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર હિરલબેન ના ઘરના હાલમાં કલર કામ ચાલી રહ્યું છે, જે દરમિયાન કાલાવડ પંથકમાં જ રહીને કલરકામ કરતા શૈલેન્દ્ર, અખિલેશ, અને સંદીપ નામના ૩ શખ્સો કલર કામ કરી રહ્યા હતા, અને તેઓ કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટયા હોવાનું અનુમાન લગાવ્યું હતું, અને તે બાબતે પોલીસને જાણ કરી હતી. જેથી કાલાવડ પોલીસે ત્રણેય ને શકદાર ગણીને હાલ તેઓ ભાગી છૂટયા હોવાથી શોધખોળ હાથ ધરી છે.