જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં નાગરિકોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતાની સમસ્યાથી સ્થાનિક રહિશો ભારે પરેશાન બન્યા છે. વારંવાર સર્જાતી વીજ સમસ્યાના કારણે દૈનિક જનજીવન પર અસર પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે ગઈકાલે વિસ્તારના રહિશોએ 58 દિગ્વિજય પ્લોટ સ્થિત પીજીવીસીએલ કચેરી સામે રોડ બંધ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા અને તાત્કાલિક તેમજ કાયમી ધોરણે વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી હતી.
રોડ બંધ કરાતા થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે વરસાદી મોસમ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી સામાન્ય જનતા, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.









