Jamnagar

‘છોટી કાશી’ જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રાવણ માસના પ્રથમ સોમવારે 'છોટી કાશી' જામનગરના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહેરના સિદ્ધનાથ, ભીડભંજન સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. શિવભક્તોએ જલાભિષેક, બિલિપત્ર અર્પણ કરી દર્શનનો લ્હાવો લીધો હતો. 500થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત કરાયા હતા. મહાપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘છોટી કાશી’ જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ

Jamnagar Shravan Special : ‘છોટી કાશી’ તરીકે પ્રખ્યાત અને નાના-મોટા અનેક શિવાલયોથી શોભતા નવાનગર જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અનેક સ્થળોએ દર્શન માટે કતારો જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન કરી બિલિપત્ર અર્પણ કર્યા હતા. અનેક ભક્તોએ જલાભિષેક અને રુદ્રાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી ભગવાન શિવને રીઝવવા પ્રાર્થના કરી હતી.
જામનગરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, તેમજ જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.
શિવાલયોમાં પહોંચેલા ભાવિકોએ શિવલિંગ પર જળાભિષેક કરી, બિલ્વપત્ર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરી દર્શનનો લ્હાવો લીધો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને અનેક શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
દરમિયાન, વર્તમાન સમયમાં કોલેરા અને ચાંદીપુરા સહિતના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના વિવિધ શિવાલયોના આસપાસના વિસ્તારોમાં તકેદારીપૂર્વક સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પરિસરોની સ્વચ્છતા જાળવવા પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોવાથી પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને વિવિધ શિવાલયોના દ્વારે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર સરળ રહે તે માટે શિવમંદિરોની આસપાસ ટ્રાફિક પોલીસના જવાનોને પણ ફરજ પર મૂકવામાં આવ્યા હતા.