CCTV કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરાઉ રોકડ સાથે આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર શહેરના ધણશેરીની ખાડ વિસ્તારમાં મીઠાની મીલ સામે આવેલી બાબજી સિરામિક એન્ડ સેનેટરી નામની દુકાનમાંથી થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ચોરીના રૂ. 9 હજાર સાથે ઝડપી પાડ્યો છે.
આ બનાવ અંગે સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(3) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સે દુકાનના વેન્ટિલેશન મારફતે અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા રૂ.24 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ગઢવી અને સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી.જી.રાજના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નજીકની દુકાનના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં આરોપીની ઓળખ મળી આવતા તેનો ફોટો બાતમીદારોને મોકલી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે ગીતા લોજ પાછળના વિસ્તારમાં દરોડો પાડી રાજ લલ્લુભાઈ કોળી (ઉંમર 19 વર્ષ, રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી દરમિયાન પેન્ટના ખિસ્સામાંથી રૂ.9 હજારની રોકડ મળી આવી હતી. પૂછપરછમાં આરોપીએ છ દિવસ અગાઉ બાબજી સિરામિક એન્ડ સેનેટરી દુકાનમાં વેન્ટિલેશન મારફતે પ્રવેશ કરી રૂ.24 હજારની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની રોકડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.









