જામનગરમાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવાના આરોપીની જામીન અરજી રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court Order : જામનગરમાં રંગમતી નદીના પટમાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવાના ચકચારી બનાવમાં જેલમાં રહેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. આરોપીની સક્રિય ભૂમિકા, ગુનાની ગંભીરતા અને બનાવ વખતે હાજર સાક્ષીની જુબાની સહિતના મુદ્દાઓને ધ્યાને લઈને અદાલતે આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો.
આ કેસની વિગતો મુજબ, જામનગરના રંગમતી નદીના પટમાં તપેન્દ્ર નેપાળી નામના યુવકની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ગુનામાં પોલીસે રામ ઉર્ફે રાકેશ બહાદુર સાઉદ જોગીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન હત્યા પાછળનું કારણ મૃતક તપેન્દ્ર દ્વારા આરોપી રામ ઉર્ફે રાકેશ બહાદુર સાઉદ જોગીની પત્ની વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવના સંદર્ભમાં નજરે જોનાર સાક્ષી તરીકે ચકબહાદુર સાઉદનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.
કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપી રામ ઉર્ફે રાકેશ બહાદુર જોગીએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલએ આરોપીની જામીન અરજીનો વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે, આરોપી હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને ગુનામાં તેની સક્રિય ભૂમિકા છે. હુમલા સમયે હાજર રહેલા નજરે જોનાર સાક્ષીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ અને કેસના સંજોગોને ધ્યાનમાં લેતાં આરોપીને જામીન પર મુક્ત કરવો યોગ્ય નથી.
સરકારી વકીલની રજૂઆતો અને કેસના સંજોગોને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી રામ ઉર્ફે રાકેશ બહાદુર સાઉદ જોગીની જામીન અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.




