જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની વધુ એક ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેરના સિટી 'સી' ડિવિઝન પોલીસ મથકમાં એક યુવતીના અપહરણ બાદ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યાદવનગર વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય યુવતીને અગાઉના પરિચયનો લાભ લઈ આરોપી ભરત નારણભાઈ વારોતરિયા અને વિપુલ કરમુર તેના ઘરેથી બહાર બોલાવી લાવ્યા હતા. ત્યારબાદ બંનેએ ધમકી આપી યુવતીને જબરદસ્તી ઇકો કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું.
ફરિયાદ અનુસાર, યુવતીને ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામે આરોપી વિપુલ કરમુરના માસિયાઈ ભાઈના ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાં આરોપી ભરત નારણભાઈ વારોતરિયાએ યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, જ્યારે આરોપી વિપુલ કરમુરે સમગ્ર ઘટનામાં મદદગારી કરી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સિટી 'સી' ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 87, 64(2)(એમ) અને 54 હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીટી સી. ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક અસરથી બંને આરોપીઓને ઝડપી લીધા છે, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









