કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં દીપડાએ ફરી દેખા દેતાં ભયનો માહોલ સર્જાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં મોડી રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વિસ્તારમાં અવારનવાર દીપડાની ચહલપહલ જોવા મળતી હોવાથી વાડી વિસ્તારમાં દિવસ-રાત કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ઘટનાની જાણ થતાં માછરડા ગામના સરપંચ પ્રદિપસિંહ જાડેજાએ તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાના પગલાંના નિશાન સહિતની તપાસ હાથ ધરી હતી. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખી તેને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ માછરડા ગામની સીમમાં દીપડાનો અગાઉ પણ અવારનવાર આંટાફેરો જોવા મળ્યો છે અને અગાઉ દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની ઘટના પણ બની હતી. વન વિભાગના જણાવ્યા મુજબ તાજેતરમાં દીપડાની સક્રિયતા કેમેરામાં કેદ થઈ છે તેમજ તેના ફૂટમાર્ક પણ મળી આવ્યા છે.
દીપડાની સતત અવરજવરને પગલે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો છે. દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેમજ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરી જરૂરી તકેદારીનાં પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.




