કાલાવડ પંથકમાં નકલી દૂધના કારોબારનો પર્દાફાશ થયા બાદ જામનગરમાં ફૂડ વિભાગની 3 દિવસ મેગા ચેકિંગ ઝુંબેશ : દૂધ-ઘીના 61 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Food Safety : જામનગર તાલુકાના કાલાવડ પંથકમાંથી નકલી દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ થયા બાદ જામનગર શહેરમાં પણ ભેળસેળયુક્ત દૂધ અને ઘીનું વેચાણ થતું હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાએ શહેરના નાગરિકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી દૂધ-ઘીમાં ભેળસેળ થતી હોવાની આશંકાના પગલે તપાસના આદેશ આપ્યા હતા. જેને લઈનેફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી.જાસોલિયા સહિતની ટીમે સતત ત્રણ દિવસ સુધી શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.
ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી.જાસોલિયાના માર્ગદર્શન હેઠળ છ ફૂડ સેફ્ટી ઓફિસરો અને ત્રણ લેબોરેટરી ટેકનિશિયનો સહિતની ટીમોએ અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી. તા.18, 19 અને 20 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ સુધી વહેલી સવારથી ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

દૂધના પ્રવેશથી માંડીને વિક્રેતાઓ સુધી તપાસ
ચેકિંગ ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે તા.18 નવેમ્બરના રોજ જામનગર શહેરમાં પ્રવેશતા દૂધના વાહનો, દૂધ વિક્રેતાઓ તેમજ દૂધનું ઉત્પાદન કરતા પશુપાલકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન દૂધના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.19 નવેમ્બરના રોજ શહેરના દૂધ ઉત્પાદકો અને દૂધ ઘી ના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે આજે તા.20 નવેમ્બરના રોજ વહેલી સવારે ખોડિયાર કોલોની વિસ્તારમાં ફૂડ વિભાગની ટીમે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
આમ, ત્રણ દિવસની ઝુંબેશ દરમિયાન કુલ 61 દૂધ અને ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પરીક્ષણ માટે જામનગર નજીક ઢીચડામાં આવેલી લેબોરેટરી તેમજ વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અને 10 નમૂનાઓ વધુ ચકાસણી માટે વડોદરા મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના નમૂનાઓનું પરીક્ષણ ઢીચડાની લેબોરેટરીમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ દૂધની ગુણવત્તા અને તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થશે.
શંકાસ્પદ 170 લિટર દૂધનો સ્થળ પર જ નાશ
દૂધની ગુણવત્તાની ખાસ ઇન્ડિ ફોર્ષ મશીન દ્વારા તપાસ દરમિયાન પાણી સહિતની અન્ય વસ્તુઓની ભેળસેળની આશંકાને લઈને સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આવતા તમામ દૂધ વગેરેની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી આશરે 170 લિટર દૂધમાં પાણી સહિતની ભેળસેળ હોવાનું મશીન મારફતે ધ્યાનમાં આવતાં ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો.

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ પાર્લરોમાં પણ તપાસ
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા હાઈવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ સહિતના ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોએ પણ તપાસ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત આઈસ્ક્રીમ પાર્લરો અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણમાં ગુણવત્તા તથા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમે ત્રણ દિવસ દરમિયાન શહેરના 10થી વધુ આઈસ્ક્રીમ પાર્લરોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વેપારીઓને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવી ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાલાવડ પંથકમાં નકલી દૂધના કારોબારનો પર્દાફાશ થયા બાદ જામનગર શહેરમાં પણ દૂધ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હાથ ધરાયેલી આ સઘન ચેકિંગ ઝુંબેશથી દૂધના વેપારીઓ અને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓમાં દોડધામ મચી હતી. હવે દૂધ, ઘી ના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




