દિવાળી વેકેશન બાદ લાભ પાંચમથી હાપા યાર્ડ ધમધમ્યું: મગફળીની 15 હજાર ગુણી અને કપાસની 2500 ગાંસડીની આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: દિવાળીના તહેવારોને પગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં જાહેર કરવામાં આવેલી રજાઓ પૂર્ણ થતાં લાભ પાંચમના પવિત્ર દિવસથી ફરી હરાજી અને ખરીદ-વેચાણની કામગીરીનો પ્રારંભ થયો છે. લાંબા વેકેશન બાદ યાર્ડમાં ખેડૂતોની અવરજવર અને જણસોની આવક સાથે ફરી ધમધમાટ જોવા મળ્યો છે. આજે વહેલી સવારે મગફળીની અંદાજે 15 હજાર ગુણીની આવક નોંધાઈ હતી, જ્યારે કપાસની પણ અંદાજે 2500 ગાંસડીની આવક થઈ હતી.
ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન પૂર્વે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવક જોવા મળી હતી. વેકેશન પૂર્વે એક જ દિવસમાં આશરે 250 વાહનો મારફતે અંદાજે 17 હજાર ગુણી મગફળી યાર્ડમાં ઠલવાઈ હતી. આવકમાં થયેલા ભારે વધારાને પગલે યાર્ડ સત્તાવાળાઓએ નવી આવક બંધ કરી હતી અને તા. 7થી 14 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
હાલ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં લાભ પાંચમથી યાર્ડની કામગીરી નવેસરથી શરૂ કરવામાં આવી છે. મગફળીની નવી આવક સાથે કપાસની પણ નોંધપાત્ર આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખરીદ-વેચાણની પ્રવૃત્તિ ફરી શરૂ થઈ છે. આજે મગફળી અને કપાસની હરાજી પ્રક્રિયાનો પણ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.




