Jamnagar

જામનગર તાલુકાના મુંગણી ગામે મિલકતના વિવાદમાં એક યુવાન પર તેનાજ કુટુંબીઓ દ્વારા ભાલાથી હુમલો કરાતાં ગંભીર ઇજા

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગર તાલુકાના મુંગણી ગામમાં મિલકત વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. એક જ પરિવારના સભ્યો વચ્ચેના ઝઘડામાં કિરીટસિંહ કંચવાનને ભાલા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. ગંભીર રીતે ઘાયલ કિરીટસિંહને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સર્જરી બાદ ICUમાં દાખલ કરાયા છે. પત્ની તેજલબાએ જેઠ મહીપતસિંહ, જેઠાણી વર્ષાબા અને પુત્ર જયવિરસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના મુંગણી ગામે મિલકતના વિવાદમાં એક યુવાન પર તેનાજ કુટુંબીઓ દ્વારા ભાલાથી હુમલો કરાતાં ગંભીર ઇજા

Jamnagar: જામનગર તાલુકાના મુંગણી ગામમાં મિલકતના વિવાદને લઈને એક જ પરિવારના સભ્યો વચ્ચે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવાન પર ભાલા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કિરીટસિંહ રણજીતસિંહ કંચવાને પ્રથમ સિક્કા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી છે અને તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે કિરીટસિંહની પત્ની તેજલબા કિરીટસિંહ કંચવાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના જેઠ મહીપતસિંહ રણજીતસિંહ કંચવા અવારનવાર મકાન ખાલી કરવા દબાણ કરતા અને આ બાબતે પરિવાર સાથે ઝઘડા કરતા હતા. ઉપરાંત અન્ય એક દુકાનને ભાડે આપવા મુદ્દે પણ બંને પક્ષ વચ્ચે મનદુઃખ ચાલતું હતું.

ફરિયાદ મુજબ14 જુલાઈની સાંજે મહીપતસિંહે બંને ઘરની વચ્ચેની દિવાલ પર ચડી પરિવારને ગાળો આપી મકાન ખાલી કરવાની ધમકી આપી હતી. બાદમાં રાત્રે લગભગ સાડા દસ વાગ્યે કિરીટસિંહ સમજાવવા માટે બહાર નીકળતા મહીપતસિંહ ભાલા જેવા તીક્ષ્ણ હથિયાર સાથે, તેમની પત્ની વર્ષાબા લોખંડના પાઈપ સાથે અને પુત્ર જયવિરસિંહ લાકડી સાથે આવી પહોંચ્યા હતા.

ફરિયાદ અનુસાર મહીપતસિંહે કિરીટસિંહના પેટના ભાગે ભાલાથી ઘા ઝીંક્યો હતો, જ્યારે વર્ષાબાએ માથામાં લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો અને જયવિરસિંહે લાકડી વડે શરીરના વિવિધ ભાગોમાં માર માર્યો હતો. હુમલામાં કિરીટસિંહ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો વચ્ચે પડી તેમને બચાવ્યા હતા, જ્યારે આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે કિરીટસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પેટમાં ગંભીર જીવલેણ ઇજા થતાં તાત્કાલિક સર્જરી કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે ફરિયાદના આધારે જેઠ મહીપતસિંહ રણજીતસિંહ કંચવા, જેઠાણી વર્ષાબા મહીપતસિંહ કંચવા અને તેમના પુત્ર જયવિરસિંહ મહીપતસિંહ કંચવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.