જામનગર-રાજકોટ હાઇવે પર બંધ પડેલી ટ્રક પાછળ સલામતીના સાધનો ન રાખતાં યુવાનને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર-રાજકોટ હાઇવે પર સોયલ નજીક બંધ હાલતમાં ઉભી રાખવામાં આવેલી ટ્રકની પાછળ પાર્કિંગ લાઇટ કે અન્ય કોઈ સલામતીના સાધનો ન મૂકાતા થયેલા અકસ્માત અંગે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, વાવડી ગામના મનવીરભાઈ પ્રવિણભાઈ ડાંગર તા. 24 જૂન, 2026ના રોજ રાત્રે ટંકારા ખાતે 108 એમ્બ્યુલન્સમાં ફરજ પૂર્ણ કરી પોતાના મોટરસાયકલ નં. જીજે-36-કે-8564 પર વાવડી પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે સાડા નવ વાગ્યે સોયલ પાસે ઉંડ નદીના પુલથી થોડે આગળ પહોંચતાં હાઇવે પર ટ્રક નં. જીજે-36-ટી-5701 બંધ હાલતમાં ઉભી હતી. ટ્રકની પાછળ પાર્કિંગ લાઇટ ચાલુ નહોતી તેમજ કોઈ રિફ્લેક્ટર, સાઇનિંગ કે અન્ય સલામતીના સાધનો મૂકવામાં આવ્યા ન હોવાથી ટ્રક દેખાઈ ન હતી અને મનવીરભાઈનું મોટરસાયકલ ટ્રકના પાછળના ભાગે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મનવીરભાઈને મોઢા, જડબા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ જડબામાં તેમજ છાતીની પાંસળીમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. ત્યારબાદ તા. 2 જુલાઈ, 2026ના રોજ તેમના જડબાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તા. 6 જુલાઈના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ પણ તબીબોએ તેમને બોલવા અને વધુ હલનચલન ન કરવાની સલાહ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અકસ્માત બાદ પીડિત સારવાર હેઠળ હોવાથી સમયસર પોલીસ ફરિયાદ નોંધાવી શકાઇ નહોતી. સારવાર પૂર્ણ થયા બાદ ટ્રકચાલકે બંધ પડેલી ટ્રક રસ્તા પર જરૂરી સલામતીના પગલાં લીધા વગર મૂકી અકસ્માત સર્જાય તેવી બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.









