Jamnagar

ચાની હોટલે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી કારને ટક્કર મારી યુવકની હત્યા

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં નુરી ચોકડી પાસે આજે વહેલી સવારે કાર, બસ અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત થયું અને ત્રણ ઘાયલ થયા. જોકે, આ હત્યાનું કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ગુલાબનગરમાં ચાની હોટલે કાર જોવા બાબતે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી, i-20 કારને થાર જીપથી ટક્કર મારી એક યુવકની હત્યા કરાઈ હતી. પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાની હોટલે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી કારને ટક્કર મારી યુવકની હત્યા

જામનગર: જામનગરમાં આજે વહેલી સવારે નુરી ચોકડી પાસે કાર, બસ અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ ઘવાયા હતા. જો કે, બાદમાં ઘટસ્ફોટ થયો કે એ હત્યાનું કાવતરૂં હતું. ગુલાબનગર વિસ્તારમાં ચાની હોટલે કાર જોવા બાબતે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને આઈ-૨૦ કારને થાર જીપથી પાછળથી ટક્કર મારી યુવકની હત્યા કરવાનું ષડયંત્ર પાર પાડવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે હત્યા અને ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ બનાવ અંગે ગુલાબનગર સ્થિત હરિદ્વાર પાર્ક-૨ ખાતે રહેતા અને લક્કી નામની ચાની હોટલ ચલાવતા શબીરહુસેન અબ્દુલભાઈ હમીયાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૨૯ સપ્ટેમ્બરની વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેમની હોટલે હાજી અયુબ ખફી ચા પીવા આવ્યો હતો. તે સમયે ભાઈ શાહરૂખે હાજી અયુબની કાળા રંગની કાર સામે જોતાં તેણે શા માટે કાર સામે જોઈને નજર બગાડો છો તેમ કહી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી તેમજ તમારી સાથે બાઝવું જ છે તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ આ ઘટનાનું તેણે મનદુઃખ રાખ્યું હતું.
આજે તા.૧૦ ઓક્ટોબરના વહેલી સવારે આશરે એક વાગ્યે ફરિયાદી પોતાની આઈ-૨૦ કારમાં હોટલમાં કામ કરતા મોહસીન અનવરખાન પઠાણ અને અફઝલ રહીમભાઈ ચાવડાને બેસાડીને દરબારગઢ તરફ જવા નીકળ્યા હતા. રસ્તામાં નુરી ચોકડી નજીક એજાઝ રફીકભાઈ સંધીને પણ કારમાં બેસાડયા હતા. કાર કલ્યાણ ચોક ખાતે પહોંચતાં હાજી અયુબ ખફી અને તેનો સાથી ઇમ્તિયાઝ ઇકબાલ ખફી નજરે પડયા હતા. તેમને જોઈને ફરિયાદીએ કાર ગુલાબનગર તરફ વાળી હતી. આ દરમિયાન હાજી અયુબ અને ઇમ્તિયાઝ થાર કારમાં તથા એક અજાણ્યો શખ્સ ટુ-વ્હીલર પર સવાર થઈ પીછો કરતા હતા.
નુરી ચોકડીથી આગળ રાજુભાઈ ઢોસાવાળાની સામે રોડ પર પહોંચતાં આશરે પોણા બે વાગ્યાના અરસામાં થાર કારના ચાલકે પૂરઝડપે ફરિયાદીની આઈ-૨૦ કારને પાછળથી ટક્કર મારી હતી. પરિણામે આઈ-૨૦ કાર રસ્તાની બાજુમાં ઉતરી જઈ ત્યાં ઊભેલી એક બસ સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડા ફંગોળાઈને નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.