Jamnagar

જામનગરમાં એરફોર્ષ રોડ પર યુવકને માર મારી રૂ.6 હજાર પડાવી લીધા બાદ નગ્ન કરી વીડિયો ઉતાર્યો

By GS Team
15 Sep 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં ઢીંચડા વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાસે 18 વર્ષના યશપાલસિંહ જાડેજાને મિત્રને માર મારવાનો વિરોધ કરવો ભારે પડ્યો. દિવ્યરાજસિંહ, ગૌતમ, ધ્રુવરાજસિંહ અને મોહિતે ગાળો ભાંડી, ઢીકાપાટુનો માર માર્યો. આરોપીઓએ 6,000 રૂપિયા પડાવી, કપડાં ઉતારી વીડિયો બનાવ્યો. એક્ટિવા અને મોબાઈલ તોડી, જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં એરફોર્ષ રોડ પર યુવકને માર મારી રૂ.6 હજાર પડાવી લીધા બાદ નગ્ન કરી વીડિયો ઉતાર્યો

Jamnagar Crime : જામનગરમાં એક યુવકને પોતાના મિત્રને માર મારવાનો વિરોધ કરવો ભારે પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢીંચડા વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાસે ચાર શખ્સોએ એક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હતી. એટલું જ નહીં, બે શખ્સોએ યુવકના કપડાં ઉતારી નગ્ન હાલતમાં મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીઓએ યુવકની એક્ટિવામાં પથ્થર મારી તોડફોડ કરી તેમજ મોબાઇલ ફોન પણ ફોર્મેટ કરીને નુકસાન પહોંચાડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ઢીંચડા વિસ્તારમાં તીરૂપતિ શેરી નં.8માં રહેતા અને અભ્યાસ કરતા 18 વર્ષના યશપાલસિંહ મિલનસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.7 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં યશપાલસિંહ પોતાના મિત્ર શ્રીરાજ સાથે તેની ફોરવ્હીલમાં ગાંધીનગર વિસ્તારમાં ગયો હતો. બાદમાં શ્રીરાજ ઘરે ચાલ્યો જતાં યશપાલસિંહ તેની એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન ગૌતમ પરમારને દિવ્યરાજસિંહ સરવૈયાનો ફોન આવ્યો હતો અને નાયરા પેટ્રોલપંપ, એરફોર્સ રોડ, ઢીંચડા ખાતે બોલાવ્યા હતા.
યશપાલસિંહ પોતાની એક્ટિવામાં ધ્રુવરાજસિંહ જાડેજા અને ગૌતમ પરમાર સાથે રાત્રિના આશરે બે વાગ્યે નાયરા પેટ્રોલપંપ પાસે પહોંચ્યો હતો. ત્યાં દિવ્યરાજસિંહ ઉપરાંત મોહિત ઉર્ફે ઉકેડીયો હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ દિવ્યરાજસિંહે ગૌતમને કહ્યું હતું કે તેને મયુર હાથલીયા સાથે માથાકૂટ થઈ છે અને તેને મારવો છે. યશપાલસિંહે મયુર પોતાનો મિત્ર હોવાનું કહી તેને માર મારવાની ના પાડી હતી.
આ વાતથી ઉશ્કેરાયેલા દિવ્યરાજસિંહે યશપાલસિંહને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો આપવાની ના પાડતાં તેને થપ્પડ મારી હતી. ત્યારબાદ દિવ્યરાજસિંહ, ગૌતમ, ધ્રુવરાજસિંહ અને મોહિત ઉર્ફે ઉકેડીયાએ ભેગા મળી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન દિવ્યરાજસિંહે પોતાની સાથે દારૂ પીધો હોવાનું કહી તેના પૈસા આપવાની માંગણી કરી હતી. યુવકે પૈસા આપવાની ના પાડતાં આરોપીઓએ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદના અલગ-અલગ ભાગમાં રોકડ રકમ રૂ.6,000 અને રૂ.1,000નો ઉલ્લેખ છે.
ત્યારબાદ ગૌતમ પરમાર અને દિવ્યરાજસિંહે ભેગા મળી યુવકના તમામ કપડાં બળજબરીથી ઉતારી નાખ્યા હતા અને ધ્રુવરાજસિંહ તથા મોહિતે પોતાના મોબાઇલ ફોનમાં યુવકનો નગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આટલેથી પણ આરોપીઓ અટક્યા ન હતા. ચારેયે ભેગા મળી સ્થળ પર પડેલી યશપાલસિંહની એક્ટિવા પર પથ્થર મારી તોડફોડ કરી નુકસાન કર્યું હતું. ગૌતમે યુવકના મોબાઇલ ફોનને ફોર્મેટ કરી નીચે પછાડી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ફરીથી ચારેયે યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો.
યુવક રાડારાડી કરતાં નજીકમાં રહેલા જયપાલસિંહ ચુડાસમા સહિત ત્રણ વ્યક્તિઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેને આરોપીઓના મારમાંથી છોડાવ્યો હતો. જયપાલસિંહે યુવકને કપડાં પણ આપ્યા હતા. બાદમાં ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને ફરી યુવકને દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ બનાવમાં યુવકને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હોવાનું અને તે આરોપીઓથી ડરી ગયેલો હોવાથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી ન હોવાનું જણાવાયું છે. જોકે બાદમાં તેણે ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 308(2), 354(4), 351(3), 296(બી), 54 તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(ઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં દિવ્યરાજસિંહ સરવૈયા, ગૌતમ પરમાર, ધ્રુવરાજસિંહ જાડેજા અને મોહિત ઉર્ફે ઉકેડીયાના નામ સામે આવ્યા છે.