Jamnagar

જામનગરમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં ઉછીના રૂપિયા માંગતા યુવક પર હુમલો : બે શખ્સ સામે ફરિયાદ

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં જોડિયા ભુગા વિસ્તારના નવાઝ છરેચાને આઝાદ ખત્રી પાસેથી લેણાં હતા. 10 ઓગસ્ટે, ઢીચડા રોડ પર નવાઝે રૂપિયા માંગતા આઝાદ અને સાહીલ સિદ્દીએ તેને ઝાડની ડાળી અને લાતો વડે માર માર્યો. ગંભીર ઈજાઓ થતાં નવાઝને જી.જી. હોસ્પિટલના ICUમાં દાખલ કરાયો. અજીજભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં ઉછીના રૂપિયા માંગતા યુવક પર હુમલો : બે શખ્સ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરના જોડીયા ભુગા વિસ્તારમાં રહેતા અજીજભાઈ હારુનભાઈ છરેચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર નવાઝ (ઉ.વ.30)ને આઝાદ અસગર ખત્રી પાસેથી રૂપિયા લેવાના હતા. તા.10 ઓગસ્ટે નવાઝ મહમદશા પીરની દરગાહ, ઢીચડા રોડ ખાતે ગયો હતો ત્યારે આઝાદ ખત્રી તથા સાહીલ સબીર સીદી ત્યાં આવ્યા હતા. નવાઝે પોતાના રૂપિયા માંગતા આઝાદે તેને ગાળો આપી જમીન પર પડેલી ઝાડની જાડી ડાળથી માથામાં માર માર્યો હતો. નવાઝ નીચે પડી જતાં તેના માથા તથા મોઢા પર પણ ડાળના ઘા માર્યા હતા, જ્યારે સાહીલે તેના પેટમાં લાત મારી હતી.
મારામારી દરમિયાન લોકો એકત્ર થતાં નવાઝને છોડાવ્યો હતો અને કોઈએ 108ને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તેના પિતા અજીજભાઈ 108 એમ્બ્યુલન્સ મારફતે નવાઝને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર દરમિયાન માથામાં છથી આઠ ટાંકા આવ્યા હોવાનું તથા માથામાં હેમરેજ અને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ નવાઝ આઈ.સી.યુ. વિભાગમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે.
આ બનાવ અંગે અજીજભાઈની ફરિયાદના આધારે આઝાદ અસગર ખત્રી અને સાહીલ સબીર સીદી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(2), 117(2), 115(2), 352, 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં બનાવનું કારણ નવાઝે આઝાદ ખત્રીને આપેલા રૂપિયા પરત માંગતા થયેલો ઝઘડો હોવાનું જણાવાયું છે.