કાલાવડ નજીક હરીપર (મેવાસા) ગામે જૂની અદાવતમાં ખેડૂત યુવાન પર હુમલો, એક શખ્સ સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં જૂની અદાવતના કારણે એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, હરીપર (મેવાસા) ગામના રહેવાસી અને ખેડૂત ઓસમાણભાઈ સાજનભાઈ મલેક (ઉંમર 55 વર્ષ) તા. 21 જુલાઈના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે પોતાના મોટરસાયકલ પર વાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની મસ્જિદ પાસે આરોપી દોસમામદભાઈ હાસમભાઈ હાલાણીએ તેમને રસ્તામાં અટકાવી જૂની અદાવત બાબતે બોલાચાલી શરૂ કરી હતી.
ફરિયાદ અનુસાર, આરોપીએ ફરિયાદીને બે-ત્રણ લાફા મારી ગાળો આપી હતી તેમજ "ફરી મારી સામે ખટપટ કરીશ તો હાથ-પગ ભાંગી નાખીશ અને જીવતો નહીં રહેવા દઉં" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીનું ગળું પકડી તેમને મોટરસાયકલ પરથી નીચે પછાડી દેતા તેઓને ઇજા પહોંચી હતી.
આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(2) અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની અટકાયત હજુ બાકી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.




