લાલપુર પાસે છોટા હાથીની ટક્કરે બાઇકચાલક યુવકને ગંભીર ઇજા : અકસ્માત સર્જી ટેમ્પોચાલક વાહન સાથે ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના લાલપુર નજીક 66 કેવી સબસ્ટેશન પાસે છોટા હાથી ટેમ્પોના ચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે વાહન હંકારતાં મોટરસાઇકલને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલચાલક યુવકને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવા ઉપરાંત ડાબા ખભા અને શરીરે છોલછાલની ઇજાઓ થઈ હતી. એટલું જ નહીં, યુવકનાં ફેફસાંને પણ નુકસાન પહોંચ્યું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પોચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે લાલપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વિજયપુર વાડી વિસ્તારમાં રહેતા સલીમભાઈ મુસાભાઈ સમા (ઉ.વ. 45)નો પુત્ર શબીર તેના મિત્રો સાથે મોટરસાઇકલ લઈને જામનગરમાં કપડાંની ખરીદી કરવા આવ્યો હતો. ગત દિવસે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેઓ ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે લાલપુર 66 કેવી સબસ્ટેશન નજીક પહોંચતાં જીજે-06-એક્સએક્સ-8846 નંબરના છોટા હાથી ટેમ્પોના ચાલકે શબીરની મોટરસાઇકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી.
ટક્કરના કારણે શબીર રસ્તા પર પટકાતાં તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઉપરાંત ડાબા ખભા અને શરીરે પણ ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટેમ્પોચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત શબીરને પ્રથમ લાલપુરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તબીબી તપાસ દરમિયાન માથામાં ગંભીર ઇજા ઉપરાંત ફેફસાંને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ યુવક બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.
પુત્રના અકસ્માતના સમાચાર મળતાં તેના પિતા સલીમભાઈ જામનગર દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે મોટરસાઇકલ ઉપરાંત ટક્કર મારનાર ટેમ્પોની તૂટેલી નંબર પ્લેટ પણ મળી આવી હતી, જેનો ફોટો પાડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સલીમભાઈની ફરિયાદના આધારે લાલપુર પોલીસે અજાણ્યા ટેમ્પોચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




