Jamnagar

જોડિયા નજીક પીઠડ ગામે ગલૂડિયાને લઈ જૂની અદાવતમાં એક મહિલાના પરિવાર પર હુમલો, છ શખ્સો સામે ગુનો નોંધાયો

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના પીઠડ ગામે ગલૂડિયા બાબતની જૂની અદાવતમાં 6 શખ્સોએ મહિલાના પરિવાર પર હુમલો કર્યો. રસિકભાઈ સોઢીયા સહિતના આરોપીઓએ સલમાબેન જુમાણીના ઘરે ઘસી જઈ ગાળાગાળી કરી. રસિકભાઈએ છાતીમાં લાત મારી, ચેતનભાઈએ પાઈપથી પેટમાં માર્યું. માતા અને ભાભીને પણ માર માર્યો. જોડીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયા નજીક પીઠડ ગામે ગલૂડિયાને લઈ જૂની અદાવતમાં એક મહિલાના પરિવાર પર હુમલો, છ શખ્સો સામે ગુનો નોંધાયો

Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે ગલૂડિયાને લઈ થયેલી જૂની અદાવતના કારણે એક મહિલાના પરિવાર પર હુમલો કરી મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આરોપસર છ શખ્સો સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીઠડ ગામે રહેતી સલમાબેન ફૈજાનભાઈ જુમાણીના ભાઈ મજીદના પુત્ર રેહાન દ્વારા અગાઉ આરોપી રસીકભાઈ રામભાઈ સોઢીયાની વાડીમાંથી એક ગલૂડિયું લાવવામાં આવ્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખી રસીકભાઈ સોઢીયા તથા તેમના ભાઈઓ અશોકભાઈ અને ચેતનભાઈ ફરિયાદીના ઘરે પહોંચી ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ મુજબ ત્યારબાદ અંકિતભાઈ બાબુભાઈ સોઢીયા, અર્જુનભાઈ રસીકભાઈ સોઢીયા અને જયદીપભાઈ અશોકભાઈ સોઢીયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તમામ આરોપીઓએ મળીને ફરિયાદી તથા તેમના પરિવાર સાથે મારામારી કરી હતી. રસીકભાઈએ ફરિયાદીને છાતીના ભાગે લાત મારી હતી, જ્યારે ચેતનભાઈએ લોખંડના પાઈપ વડે પેટના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ફરિયાદીના માતા રોશનબેનને ઝાપટ મારી તેમજ માતા અને ભાભી શેહનાઝબેન સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 351(3), 352, 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.