જામનગરના સોહમનગર વિસ્તરમાં રહેતી મહિલા પર પાડોશીનો પથ્થર વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના સોનલનગર હનુમાન ટેકરી સ્થિત ખોડિયાર કોલોની વિસ્તારમાં ઘર બહાર ગાળો બોલવાની ના પાડતાં એક મહિલાના માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ સોનલનગર હનુમાન ટેકરી ખોડિયાર કોલોનીમાં રહેતાં ચંદ્રીકાબેન અજીતભાઈ સોમાણી તા. 4 જુલાઈના રોજ સાંજે આશરે સાડા પાંચ વાગ્યે પોતાના દીકરા વિશાલ, પુત્રવધૂ કોમલ તેમજ પરિવારજનો સાથે ઘરના ફળિયામાં બેઠા હતા. તે દરમિયાન ઘરની બહાર શેરીમાં રાજ લલ્લુભાઈ બાવરી (રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ, જામનગર) જોરજોરથી ગાળો બોલતો હોવાનું જણાતાં ચંદ્રીકાબેને તેને ગાળો ન બોલવા જણાવ્યું હતું.
આ બાબતે આરોપી ઉશ્કેરાઈ મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ રસ્તામાં પડેલો પથ્થર ઉપાડી ચંદ્રીકાબેનના માથામાં મારી દેતા તેમને માથામાં ઈજા પહોંચી હતી અને લોહી નીકળતાં તેઓ નીચે પડી ગયા હતા. ઘટનાના બાદ આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર કરીને દાખલ કરવામાં આવ્યા હતા.
આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125(બી), 352 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









