જામનગરમાં કચરો વીણતી મહિલાને બેફામ મોટરસાયકલ ચાલકે હડફેટે લેતાં કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરમાં નવી કોર્ટવાળા રોડ પર વિશ્વકર્માની વાડી પાસે કચરો વીણતી મહિલાને પુરઝડપે અને બેદરકારીપૂર્વક મોટરસાયકલ ચલાવી આવેલા બાઇકચાલકે હડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ મોટરસાયકલચાલક વાહન સાથે નાસી જતાં પોલીસે તેની સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે ઇન્દિરા કોલોની, ખેતીવાડી શેરી નં.4માં રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ રાજુભાઈ ખીમસુર્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભરતભાઈની માતા કલીબેન રાજુભાઈ ખીમસુર્યા (ઉં.વ.47) કચરો વીણવાનું કામ કરતા હતા. તા.8 ઓગસ્ટના રોજ બપોરે આશરે સવા અગિયાર વાગ્યાના અરસામાં તેઓ નવી કોર્ટવાળા રોડ પર વિશ્વકર્માની વાડી પાસે રોડ પર કચરો વીણી રહ્યા હતા.
તે દરમિયાન જીજે-10-ડીક્યુ-0453 નંબરના મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે, બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી કલીબેનને ઠોકર મારી હતી. અકસ્માતમાં કલીબેનને માથામાં ગંભીર ઇજા ઉપરાંત શરીરે છોલછાલની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મોટરસાયકલચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં કલીબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ભરતભાઈને બનાવની જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં કલીબેન સ્ટ્રેચર પર ગંભીર હાલતમાં પડ્યા હતા અને માથામાંથી લોહી નીકળતું હતું. ફરજ પરના તબીબે તપાસ બાદ કલીબેનને મૃત જાહેર કર્યા હતા.
ફરિયાદના આધારે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જીજે-10-ડીક્યુ-0453 નંબરના મોટરસાયકલના ચાલક સામે અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવવાના બનાવ અંગે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




