Gujarat

કાલાવડ તાલુકાના નગર પીપળીયા ગામ નજીક એક ટ્રક ચાલકે અકસ્માત સર્જી 11 વિજપોલ ભાંગી નાખ્યા

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
કાલાવડ તાલુકાના નગર પીપળીયા ગામ નજીક એક ટ્રક ચાલકે અકસ્માત સર્જી 11 વિજપોલ ભાંગી નાખ્યા

- વીજ તંત્ર ને રૂપિયા એક લાખનું નુકસાન: ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ: બે દિવસથી વીજ પુરવઠો બંધ

જામનગર તા. 18, 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નગર પીપળીયા ગામ નજીકથી પસાર થઇ રહેલા એક મશીનરી ભરેલા ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો, અને એકી સાથે 11 વીજપોલ ભાંગી નાખ્યા હતા. જેના કારણે વીજતંત્ર અને એકાદ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ઉપરોક્ત વિસ્તારમાં વીજપુરવઠો બંધ થયો છે. જે ટ્રક ચાલક સામે વીજતંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશનો વતની દિનેશ ભગીરથભાઈ યાદવ નામનો ટ્રક કંટેનર ચાલક પોતાના જી.જે. 1 -બી. વાય. 5164 નંબર ના ટ્રક કન્ટેનરમાં બોઇલર સહિતની મશીનરી ભરીને આવતો હતો, અને ગત 16મી તારીખે કાલાવડ તાલુકાના નગર પીપળીયા ગામ નજીકથી પસાર થતાં તેના ટ્રક સાથે પીજીવીસીએલના વીજતાર ભરાઇ જવાથી વિજપોલ તાર સાથે ખેંચાયો હતો. ત્યાર પછી એકી સાથે કુલ 11 વીજપોલ  જમીનદોસ્ત થયા હતા, અને વીજ વાયર તૂટીને નીચે પડી ગયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં વીજ તંત્ર દોડતું થયું હતું, અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો.

સદભાગ્યે આ સમયે અન્ય કોઇ વાહનચાલક પસાર થતું ન હોવાથી જાનહાની ટળી હતી. તંત્ર દ્વારા વિજ લાઈનની સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, અને હાલ ગ્રામ્ય વિસ્તારનો વીજ પુરવઠો બંધ છે.

આ અકસ્માતના બનાવ અંગે કાલાવડ પીજીવીસીએલના ઇજનેર ગૌરાંગભાઈ વાલજીભાઈ કુવાદરા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રકચાલક સામે વિજ તંત્રને રૂપિયા 95,64૦ નું નુકસાન પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ટ્રકચાલકને અટકાયતમાં લઇ લીધો છે, અને ટ્રક કબ્જે કર્યો છે.