Jamnagar

જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂ.5 કરોડનું ફુલેકું

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના સિક્કા ગામમાં સિગારેટના ધંધામાં રોકાણ કરાવી, એકના ડબલ કરવાની લાલચ આપી આશરે 5 કરોડ રૂપિયા ઉઘરાવી એક શખ્સ ફરાર થઈ ગયો છે. અસગરઅલી પીરજાદા સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે અન્ય ભોગ બનનારાઓને પુરાવા સાથે સંપર્ક કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂ.5 કરોડનું ફુલેકું

Jamnagar News : જામનગર નજીકના સિક્કા ગામમાં સિગારેટની આયાત-નિકાસના ધંધામાં રોકાણ કરાવી એકના ડબલ રકમ આપવાની લાલચ આપી અંદાજે રૂ.5 કરોડની રકમ ઉઘરાવી એક શખ્સ ફરાર થઈ જતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ પ્રકરણમાં અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની શક્યતાને પગલે પોલીસે આવા તમામ લોકોને સામે આવી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
સિક્કાના પંચવટી સોસાયટીમાં રહેતા અસગરઅલી ગફારભાઈ પીરજાદા (ઉં.વ.43)એ પોતે શિપિંગ કંપનીમાં નોકરી કરતો હોવાનું તેમજ બહારના સંપર્કોના કારણે સિગારેટના આયાત-નિકાસનો ધંધો કરતો હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા. આ ધંધામાં મોટી રકમનું વળતર મળતું હોવાનું કહી રોકાણ કરનારને રકમ ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી.
ધંધા માટે વધુ ફંડની જરૂરિયાત હોવાનું જણાવી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું હતું. આ રીતે એક ફરિયાદી પાસેથી રૂ.12 લાખ સહિત સિક્કા ગામના અન્ય લોકો, ઓળખીતાઓ તથા સગા-સંબંધીઓ પાસેથી મળી અંદાજે રૂ.5 કરોડ જેટલી રકમ મેળવી લીધા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની લોભામણી સ્કીમમાં કોઈ અન્ય વ્યક્તિએ પણ નાણાંનું રોકાણ કર્યું હોય અને હજુ સુધી પોલીસ સમક્ષ નિવેદન કે ફરિયાદ માટે આવ્યા ન હોય તો તેઓ સિક્કા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. ભોગ બનનારોએ પોતાની પાસે રહેલા બેન્ક ચેક, લખાણ, બેન્ક સ્ટેટમેન્ટ, ઓનલાઈન નાણાકીય વ્યવહારોની વિગતો સહિતના પુરાવા સાથે પોલીસનો સંપર્ક કરવા સિક્કા પોલીસે અપીલ કરી છે.