Jamnagar

ખંભાળિયાના રીક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : બે સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ખંભાળિયામાં એક રિક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો. મૃતક સિકંદરભાઈ શેખની રિક્ષામાંથી સુસાઈડ નોટ મળી હતી. તેમાં ગોપાલસિંહ જાડેજા અને જયપાલસિંહ નામના 2 શખ્સો પૈસા માટે હેરાન કરતા હોવાનો ઉલ્લેખ છે. જામનગર રેલવે પોલીસે બંને સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાળિયાના રીક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : બે સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Jamnagar : ખંભાળિયાના એક રીક્ષાચાલકે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતકની રીક્ષામાંથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે બે શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવી જામનગર રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ખંભાળિયાના સલાયા નાકા વિસ્તારમાં રહેતા હસન સિકંદરભાઈ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા સિકંદરભાઈ લતીફભાઈ શેખ (ઉ.વ. 45), વ્યવસાયે રીક્ષાચાલક, ગત તા. 9 જુલાઈએ મિલન ચાર રસ્તા નજીક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને પ્રથમ ખંભાળિયાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા. 14 જુલાઈના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તબીબોએ ઝેરી દવા પીધાની અસર હોવાનું જણાવ્યું હતું.
અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતકની રિક્ષામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં ગોપાલસિંહ જાડેજા અને જયપાલસિંહ નામના બે વ્યક્તિઓ પૈસા માટે હેરાન કરતા હોવાથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ પત્ની દિલશાદબેન, માતા-પિતા અને સંતાનોની માફી માંગતો ભાવુક સંદેશ પણ લખેલો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે મૃત્યુના આગલા દિવસે સિકંદરભાઈએ પુત્રને જણાવ્યું હતું કે તેમણે રૂ.10,000 વ્યાજે લીધા હતા અને છેલ્લા બે-ત્રણ મહિનાથી વ્યાજ ભરાઈ ન શકતા તેમને સતત હેરાન કરવામાં આવતા હતા તેમજ રીક્ષા છીનવી લેવાની ધમકી આપવામાં આવતી હતી. બનાવના દિવસે સવારે પણ એક અજાણ્યો વ્યક્તિ તેમના ઘરે આવી સિકંદરભાઈ અંગે પૂછપરછ કરી ગયો હતો.
મૃતકના મિત્ર પરેશભાઈ ત્રવાડીએ પરિવારને જણાવ્યું હતું કે સિકંદરભાઈએ ગોપાલસિંહ પાસેથી અલગ-અલગ સમયે આશરે રૂ.50,000 માસિક દસ ટકા વ્યાજે લીધા હતા. જ્યારે અન્ય મિત્ર સુલતાનભાઈ મારફતે જયપાલસિંહ પાસેથી રૂ.10,000 માસિક દસ ટકા વ્યાજે લીધા હોવાનું પણ સામે આવ્યું છે. આર્થિક દબાણ અને સતત માનસિક ત્રાસથી કંટાળી સિકંદરભાઈએ આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ફરિયાદના આધારે જામનગર રેલવે પોલીસે બંને આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.