જામનગરમાં પરિણીતાને 7 વર્ષથી પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ : પતિએ અન્ય યુવતી સાથે બીજા નિકાહ કર્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પતિ સહિત સાસરિયાઓ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો બોલતા અને મારકૂટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત પતિએ યાસ્મીન નામની યુવતી સાથે બીજા નિકાહ કર્યા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, અનિશાબેનના નિકાહ અફઝલભાઈ હુસેનભાઈ વઘેરા સાથે તા.13 એપ્રિલ, 2014ના રોજ મુસ્લિમ શરીયત મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ જામનગરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે.
ફરિયાદ મુજબ લગ્નના આશરે સાત વર્ષ બાદ પતિ અફઝલભાઈ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો બોલતા તેમજ ગાલ અને વાંસાના ભાગે ઝાપટો મારતા હતા. સાસુ રૂકશાનાબેન અને સસરા હુસેનભાઈ પણ નાની બાબતોમાં ઝઘડો કરી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે. સસરા પતિને પત્ની વિરુદ્ધ ચઢામણી કરતા હોવાના કારણે પતિ હાથ મરોડી તથા ગાલમાં ઝાપટો મારતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. દિયર સાજીદભાઈ પણ પતિનો સાથ આપી ઝઘડો કરતા અને દેરાણી દિલશાદ નાની બાબતોમાં ઝઘડો કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.
આ દરમિયાન આશરે ત્રણ વર્ષ પહેલાં પતિને યાસ્મીન નામની યુવતી સાથે મિત્રતાના સંબંધો હોવાની જાણ થતાં મહિલાએ પતિને પૂછપરછ કરી હતી. આ બાબતે પતિએ ઝઘડો કરી મહિલાના વાળ પકડી ગાલમાં ઝાપટો મારી હતી, અને યાસ્મીન સાથેના સંબંધો ચાલુ રાખવાની વાત કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. મહિલાએ આ અંગે સાસુ-સસરાને જાણ કરતાં તેમણે પણ પતિનો પક્ષ લીધો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ મહિલાની માતા નસીમબેન તેને તથા તેની બે પુત્રીઓને માવતરના ઘરે લઈ ગયા હતા.
ફરિયાદ મુજબ ત્યારથી મહિલા માવતરના ઘરે રહે છે. માતા-પિતાએ સમાધાનના અનેક પ્રયાસો કર્યા છતાં સમાધાન થયું ન હતું. આશરે એક મહિના પહેલાં મહિલાને જાણ થઈ કે તેના પતિએ યાસ્મીન નામની યુવતી સાથે બીજા નિકાહ કર્યા છે અને હવે તેને તેડી જવા માંગતા નથી. આ અંગે મહિલાએ અગાઉ મહિલા પોલીસ મથકે અરજી કરી હતી, પરંતુ સમાધાનનો કોઈ રસ્તો ન નીકળતાં આખરે માતા નસીમબેન તથા પિતા સલીમભાઈ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મોડી કરવાનું કારણ જણાવતાં મહિલાએ કહ્યું હતું કે તે પતિ સાથે સમાધાન કરીને પરત જવા માંગતી હતી અને કાઉન્સેલિંગ કરાવવા ઈચ્છતી હતી, પરંતુ પતિ તરફથી સમાધાન ન થતાં ફરિયાદ કરવાની ફરજ પડી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.









