Gujarat

જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં મૃતકની અંતિમવિધિ સમયે રાંધણ ગેસના બાટલામાં આગ લાગતાં ભારે અફડાતફડી

By GS Team
4 Dec 20212 mins read
This article was originally published on 4 Dec 2021
જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં મૃતકની અંતિમવિધિ સમયે રાંધણ ગેસના બાટલામાં આગ લાગતાં ભારે અફડાતફડી

જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર

જામનગર મા સુભાષ પાર્ક વિસ્તારમાં આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં એક રહેણાંક મકાનમાં વૃદ્ધ મહિલા ની અંતિમ વિધિ ચાલી રહી હતી, અને અંતિમયાત્રા કાઢતા પહેલાં અંતિમયાત્રામાં જોડાનારા લોકો માટે ચા પાણી બનાવવા રાંધણ ગેસનો બાટલો ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગવાથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે તૂરતજ દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે દરવાજો વાયરીંગ ટીવી સહિતની સામગ્રી સળગી ગઈ હતી જ્યારે વૃદ્ધ મહિલાની અંતિમવિધિ ઘરની બહાર કરવી પડી હતી.


આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતા પાલાભાઈ દેવશીભાઇ વારસાખીયા ના માતા ગોજીબેન (75) કે જેઓનું ગઈકાલે સાંજે સાડા છ વાગ્યે અવસાન થઈ ગયું હતું, અને મૃતદેહને ઘરમાં રાખ્યો હતો. પાલાભાઈ ના પરિવારજનો વગેરે બહારગામ હોવાથી તેઓ જામનગર અંતિમ દર્શનાર્થે આવે તેની રાહ જોવાઇ રહી હતી.


ઉપરાંત આજે સવારે ગોજીબેન ની સ્મશાન યાત્રા માટેની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યાં અંતિમવિધિમાં જોડાવા માટે આવનારા લોકો માટે ચા પાણી સહિતની વ્યવસ્થા કરવા રાંધણગેસનો મોટો ચુલો પેટાવવા માટે કે રાંધણ ગેસનો બાટલો જોડીને ચાલુ કરવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન એકાએક ગેસ લીકેજ થતાં અકસ્માતે આગ લાગી ગઈ હતી. જેના કારણે દોડધામ થઈ હતી.


આ બનાવ અંગે પાલાભાઈ વારસાખીયા એ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જે આગના કારણે રસોડાનો દરવાજો ઇલેકટ્રીક વાયરીંગ, ટીવી સહિતની સામગ્રી સળગી ગઈ હતી. અને ગોજીબેન ની અંતિમ વિધિ ઘરની બહાર કરવી પડી હતી.


આગ ઠરી ગયા પછી મોડેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એક તરફ ઘરમાં પરિવાર માટે શોકમગ્ન વાતાવરણ અને તેમાંય આગ અકસ્માત ની દુર્ઘટનાથી પરિવાર હતપ્રભ બન્યો છે.