જામનગર નજીક ચેલા પાસે ત્રિપલ સવારી બાઇકની આડે ગાય ઉતરતા કોલેજિયન યુવાનનું કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગરના દરેડ ગામના 21 વર્ષીય કોલેજિયન યુવાનનું માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ચેલા ગામથી એસઆરપી કેમ્પ તરફ જવાના માર્ગ પર અચાનક ગાય આડી ઉતરતા મોટરસાઇકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ દરેડ ગામે રહેતા અમિત હમીરભાઈ સોલંકી (ઉં.21) પોતાના મિત્રો રાહુલ (ઉં.20) અને વિજય (ઉં.19) સાથે હોન્ડા મોટરસાઇકલ નં. જીજે-10-ડીએસ-7210 પર સવાર થઈ રાહુલને ચેલા વિઝન વિસ્તારમાં મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન ચેલા ગામથી એસઆરપી કેમ્પથી થોડે આગળ રોડ પર અચાનક ગાય આડી ઉતરતા મોટરસાઇકલ ગાય સાથે અથડાઈ હતી.
અકસ્મતમાં ત્રણેય યુવકો મોટરસાઇકલ સહિત રોડની ફૂટપાથ સાથે અથડાયા હતા. જેમાં અમિતને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેના મિત્રો રાહુલ અને વિજયને પણ શરીરે ઇજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા અમિત હમીરભાઈ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે.









