Jamnagar

જામનગર જિલ્લામાં જુદા-જુદા 5 વાહન અકસ્માતમાં 7 વ્યક્તિઓ ઘાયલ થઈ : બે વૃદ્ધ સહિત ત્રણની હાલત ગંભીર

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં 5 માર્ગ અકસ્માતમાં 7 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. જેમાં 2 વૃદ્ધ સહિત 3 ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. લાલપુર બાયપાસ, ઠેબા ચોકડી, મોટા વડાળા, ગજણા ગામ અને DKV સર્કલ પાસેના અકસ્માતોમાં અજાણ્યા વાહનચાલકો વાહન સાથે ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુદા-જુદા 5 વાહન અકસ્માતમાં 7 વ્યક્તિઓ ઘાયલ થઈ :   બે વૃદ્ધ સહિત ત્રણની હાલત ગંભીર

Jamnagar Accident : જામનગર શહેર તથા જિલ્લામાં અલગ અલગ સ્થળે સર્જાયેલા પાંચ માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જેમાં બે વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાર અકસ્માતમાં ટક્કર મારનાર વાહનચાલકો વાહન સાથે નાસી છૂટતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
જામનગરના આલાપ સોસાયટીમાં રહેતા અને ગુરુદ્વારા ચોકડી ખાતેની બેંકમાં સહાયક મેનેજર તરીકે નોકરી કરતા 22 વર્ષીય શકતીરાજસિંહ ગુણવંતસિંહ ઝાલા તા.2 સપ્ટેમ્બરની રાત્રે લાલપુર બાયપાસ ચોકડીથી ચા લઈને પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. અવધ હોન્ડાના શોરૂમ સામે પહોંચતાં કાળા રંગની અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી પાછળથી ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાઈ વાહન નીચે ફસાઈ ગયા હતા. આસપાસના લોકોએ વાહન ઊંચું કરી તેમને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં બંને ઘૂંટણ તથા ડાબા હાથમાં છોલછાલ ઉપરાંત ડાબા કાન પાછળ ગંભીર ઇજા થતાં જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા. સારવાર બાદ તા.4 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગર નજીક ઠેબા ચોકડીથી વિંજરખી ગામ તરફ મોટરસાઇકલ પર જતા 65 વર્ષીય દાનાભાઈ નથુભાઈ પરમારને તા.3 સપ્ટેમ્બરે સાંજે થાવરિયા પાસે આઇ.ઓ.સી.ના ગેટ નજીક અજાણી ફોરવ્હીલ ગાડીએ અડફેટે લીધા હતા. માથામાં ગંભીર ઇજા ઉપરાંત બંને પગ તથા જમણા હાથના કોણી અને જમણા પગમાં ઇજાઓ થતાં 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આઇ.સી.યુ.માં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. પુત્ર અજયભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસે તા.3 સપ્ટેમ્બરે 48 વર્ષીય મજૂર દિનેશભાઈ આણાભાઈ બામરીયાને કાલાવડ તરફથી આવતી ફોરવ્હીલ ગાડી નં. જીજે-03-એનએફ-2186ના ચાલકે અડફેટે લીધા હતા. રોડ ક્રોસ કરી રહેલા દિનેશભાઈને અકસ્માતમાં બંને પગમાં ફ્રેક્ચર તથા કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. પ્રથમ કાલાવડ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બંને પગના ફ્રેક્ચરની સારવાર તથા શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. અકસ્માત બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. દિનેશભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના ગજણા ગામના બસ સ્ટેશન આગળ તા.18 ઓગસ્ટે બોલેરો પીકઅપની ટક્કરે દંપતી ઘવાયું હતું. મુરીલા ગામના 49 વર્ષીય હાજાભાઈ કેસુરભાઈ બંપીયા પત્ની ભાવનાબેન સાથે મોટરસાઇકલ નં. જીજે-10-બીસી-2274 પર લાલપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોળાઈમાં બોલેરો પીકઅપ નં. જીજે-37-વી-6787ના ચાલકે બેદરકારીપૂર્વક ટક્કર મારતાં બંને રોડ પર પટકાયા હતા. હાજાભાઈના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે ભાવનાબેનના જમણા ખભામાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અને શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી. સારવારના કારણે બનાવના 17 દિવસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જામનગરના ડી.કે.વી. સર્કલ પાસે તા.1 સપ્ટેમ્બરની રાત્રે વોકિંગ માટે નીકળેલા 78 વર્ષીય અરવિંદભાઈ સુરાણીને કાળા રંગની એક્ટિવા નં. જીજે-10-ડીએમ-4297ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી હંકારી અડફેટે લીધા હતા. જી.જી. હોસ્પિટલ તરફથી ડી.કે.વી. સર્કલ તરફ આવતી એક્ટિવાની ટક્કરથી અરવિંદભાઈને માથામાં મુઢ માર તથા ડાબા પગની પેનીના ભાગે ફ્રેક્ચર થતાં તેમને જી.જી. હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. પુત્ર જીતેન્દ્રભાઈની ફરિયાદના આધારે સીટી ‘ડી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.