જામનગર જિલ્લામાં 4 નાયબ મામલતદારોની અરસ-પરસ બદલી, 6ને વધારાનો ચાર્જ સોંપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લા વહીવટી તંત્રમાં કલેક્ટર પી.બી.પંડયા દ્વારા વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે 4 નાયબ મામલતદારોની અરસપરસ આંતરિક બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 6 નાયબ મામલતદારોને વિવિધ સ્થળોએ વધારાનો ચાર્જ સોંપવાના હુકમો કરવામાં આવ્યા છે.
બદલી કરાયેલા અધિકારીઓમાં કલેક્ટર કચેરીના અછત નાયબ મામલતદાર ડી.જી.ત્રિવેદીને જામજોધપુર ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે લાલપુર મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદાર વી.આર.લગારીયાની જામનગર કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.
જામજોધપુર મામલતદાર કચેરીના રવિરાજસિંહ ડી.ઝાલાને જામનગર સ્થિત ગુજરાત રાજ્ય સહકારી અને ગ્રામીણ વિકાસ બેંકના ખાસ વસૂલાત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે લાલપુર મામલતદાર કચેરીના મહેકમ નાયબ મામલતદાર વી.ટી.નંદાસણાને લાલપુર કચેરી ખાતે નાયબ મામલતદાર (પુરવઠા) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત વહીવટી કામગીરીને વેગ આપવા માટે જામનગર ગ્રામ્યના નાયબ મામલતદાર વી.એચ.ગોહીલને સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જોડિયાના નાયબ મામલતદાર આર.બી.બાવરવાને ઠેબા ઘાસ ડેપો (જોડિયા અને ધ્રોલ તાલુકા માટે), લાલપુરના નાયબ મામલતદાર એચ.બી.સોલંકીને ખડખંભાળિયા ઘાસ ડેપો (લાલપુર તાલુકા માટે), જામનગર ગ્રામ્યના નાયબ મામલતદાર ડી.જે.સ્વામીને ઠેબા ઘાસ ડેપો (જામનગર તાલુકા માટે) તથા જામજોધપુરના નાયબ મામલતદાર એમ.સી.ટમાલીયાને જામજોધપુર ઘાસ ડેપોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કલેક્ટરના આ આંતરિક ફેરફારથી વિવિધ કચેરીઓમાં વહીવટી કામગીરીને વધુ સુગમ બનાવવા તથા જરૂરી કામગીરીમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.









