લાલપુરના કાનાલુસ ગામની રહેણાંક ઓરડીમાંથી 1.795 કિલો નશીલા પદાર્થ ગાંજો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Ganja Smuggling : જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે કાનાલુસ ગામમાં દરોડો પાડી રહેણાંક ઓરડીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 1 કિલો 795 ગ્રામ, કિંમત રૂ.89,750, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1,04,750નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને સેવન સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ.બારસીયાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કાનાલુશ ગામમાં પોસ્ટ ઓફિસની આગળની શેરીમાં ગોપાલ પ્રાગજીભાઈ ગોહિલની રહેણાંક ઓરડીઓ આવેલી છે, જેમાંથી ઓરડી નંબર-4માં ભાડેથી રહેતો અજીતસિંહ યાદવ તેના બે સાગરિતો વેદપ્રકાશ મિશ્રા અને વિશાલગીરી સાથે ગાંજાનો જથ્થો રાખી બેઠો છે અને ત્રણેય મળી ગાંજાનું વેચાણ કરવાની પેરવીમાં છે.
બાતમીના આધારે પોલીસે ઓરડી નંબર-4માં દરોડો પાડતાં ત્યાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ, વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા અને વિશાલકુમાર મુરેન્દ્રગીરીને ઝડપી લીધા હતા. ઓરડીમાંથી કુલ 1 કિલો 795 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.89,750 આંકવામાં આવી છે. ગાંજા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1,04,750નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ (રહે-મૂળ અલમાપુર ગામ, પોસ્ટ તીરવા, થાણા હઠીયા, જિલ્લા કનોજ, ઉત્તરપ્રદેશ)નો રહેવાસી છે. બીજો આરોપી વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા (રહે-મહાદેવ ઝારખંડી ફેઝ-ઇ, કૃષ્ણા નગર કોલોની, ગોરખપુર, ઉત્તરપ્રદેશ)નો રહેવાસી છે. જ્યારે ત્રીજો આરોપી વિશાલકુમાર મુરેન્દ્રગીરી, (રહે-પીપસ ખાસ ગામ, વોર્ડ નંબર-1, થાણા મીરંગંજ, બ્લોક ઉચકાગામ, જિલ્લા ગોપાલગંજ, બિહાર)નો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ઓડિશાના અરૂણકુમાર નામના આરોપી તેમજ તેના માણસ તરીકે ઓળખાવવામાં આવેલા એક અજાણ્યા શખ્સને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.




