VIDEO: જામનગરમાં દિવાળીના 3 દિવસમાં આગના 116 બનાવો, ફાયર બ્રિગેડની સતત દોડધામ, 7,50,000 લિટર પાણીનો ઉપયોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળી, પડતર દિવસ અને બેસતા વર્ષના 3 દિવસ દરમિયાન ફટાકડાની આતશબાજીના કારણે આગના નાના-મોટા કુલ 116 બનાવો નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં કંટ્રોલ રૂમ કોલ મળતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ટીમે રાત-દિવસ દોડધામ કરી તમામ સ્થળોએ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ કરવામાં આવેલા આયોજનના ભાગરૂપે શહેરને 9 સેક્ટરમાં વહેંચીને ફાયર ફાઇટરો તૈનાત કરવામાં આવ્યા હોવાથી તમામ બનાવોમાં ત્વરિત પ્રતિસાદ શક્ય બન્યો હતો. આ સમગ્ર બચાવ કામગીરી દરમિયાન સદનસીબે કોઈપણ સ્થળે જાનહાનિ નોંધાઈ નથી.
7,50,000 લિટર પાણીનો ઉપયોગ
ફાયર વિભાગે સમયબદ્ધ કટોકટી આયોજન અમલમાં મૂક્યું હતું. ટીમે માત્ર 1 મિનિટનો ટર્નઆઉટ ટાઈમ અને ઘટનાસ્થળે પહોંચવા માટે મહત્તમ 4 મિનિટની સમયમર્યાદા નક્કી કરી કામગીરી કરી હતી. 3 દિવસ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા અલગ-અલગ પંપહાઉસમાંથી પાણીના 125 થી વધુ ફેરા કરીને આશરે 7,50,000 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મોટા ભાગના 101 સ્થળોએ 1 ટેન્કરથી આગ બુઝાવી લેવાઈ હતી, જ્યારે 15 સ્થળોએ આગ વિકરાળ હોવાથી 2 થી 3 ટેન્કરો કામે લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાલસુરા રોડ પર આવેલી રોજી વીડીમાં લાગેલી મોટી આગને JMCના 4 ટેન્કર અને INS વાલસુરાના 1 ફાયર ફાઈટરના સંયુક્ત પ્રયાસથી કાબૂમાં લેવાઈ હતી.
રહેણાક મકાનોમાં આગ
બચાવ કામગીરી દરમિયાન 112 ઈમરજન્સી નંબર મારફતે મળેલા કોલ પર ફાયર ટીમે બે અલગ-અલગ રહેણાક મકાનોમાં લાગેલી આગ પર ઝડપી કાબૂ મેળવ્યો હતો. સાધના કોલોની ગેટ નંબર 1 પાસે મકાનના પ્રથમ માળે લાગેલી આગમાં ધુમાડાના કારણે બેભાન બનેલા શાહનવાઝભાઈ ખીરાને ફાયર જવાનોએ સચેત રીતે જીવિત રેસ્ક્યૂ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે G.G. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની તબિયત સુધારા પર છે.
ત્વરિત કામગીરીથી મોટી જાનમાલની હોનારત ટળી
આ ઉપરાંત નાગનાથ નાકા અંબાજી ચોક પાસે ત્રીજા માળે લાગેલી આગને પણ કોઈ જાનહાનિ વિના સંપૂર્ણ બુઝાવી દેવામાં આવી હતી. ફાયર વિભાગની આ ત્વરિત અને સુસજ્જ કામગીરીના કારણે દિવાળીના તહેવારોમાં જામનગરમાં મોટી જાનમાલની હોનારત ટળી હતી.




