જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ અને ટ્રમ્પ સામે પ્રહાર, ઝોહરાન મમદાનીએ વિજયી ભાષણમાં જુઓ શું કહ્યું

Zohran Mamdani Victory Speech: ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં પોતાની ઐતિહાસિક જીતની જાહેરાત કરી છે. સમર્થકોએ જોરદાર જયકાર વચ્ચે તેમને ન્યૂયોર્કના પહેલાં મૂળ ભારતીય-અમેરિકન મુસ્લિમ અને સૌથી ઓછી ઉંમરના મેયર તરીકે ચૂંટવા બદલ ન્યૂયોર્કવાસીનો આભાર માન્યો છે. 34 વર્ષીય મમદાનીએ પોતાના વિજય ભાષણમાં એક નવી પેઢી માટે લડવાનો સંકલ્પ આપ્યો. તેમણે કહ્યું કે, 'ન્યૂયોર્કની નવી પેઢીનો આભાર. અમે તમારા માટે લડીશું, કારણ કે અમે પણ તમારામાંથી જ એક છીએ. ભવિષ્ય આપણા હાથમાં છે. મારા મિત્રો આપણે એક રાજકીય રાજવંશને ઉથલાવી દીધો છે.'
એન્ડ્ર્યુને પાઠવી શુભકામના
તેમણે પોતાના મુખ્ય હરીફ પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને તેમના અંગત જીવન માટે શુભેચ્છા પાઠવી. મમદાનીએ કહ્યું કે, 'પરંતુ આજની રાત છેલ્લી વાર હોય જ્યારે હું તેમનું નામ લઈશ. કારણ કે અમે એક એવા રાજકારણને છોડી રહ્યા છે, જે ફક્ત અમુક લોકોનું જ સાંભળે છે.'
આ પણ વાંચોઃ આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો કર્યો ઉલ્લેખ
મમદાનીએ પોતાના ભાષણમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધું સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ મારી પાસે તમારા માટે ચાર શબ્દ છે. અમારામાંથી કોઈ પણ સુધી પહોંચવા માટે તમારે અમારામાંથી પસાર થવું પડશે.'
વડાપ્રધાન નહેરુનો પણ કર્યો ઉલ્લેખ
ભારતીય મૂળના આ રાજનેતાએ પોતાના વિજય સંબોધનમાં ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ઐતિહાસિક 'ટ્રિસ્ટ વિધ ડેસ્ટિની' (Tryst with Destiny) ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ઇતિહાસમાં કદાચ ક્યારેક એવી ક્ષણ આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને અભિવ્યક્તિ મળે છે.'
આ પણ વાંચોઃ ભારતીય મૂળના ઝોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત
મામદાનીએ પોતાની જીતને ટેક્સી ડ્રાઇવરોથી લઈને લાઇન કૂક્સ સુધીના બધા ન્યૂયોર્કવાસીઓની જીત ગણાવી. તેમણે રિચાર્ડ નામના ટેક્સી ડ્રાઇવર સાથે સિટી હોલની બહાર 15 દિવસની ભૂખ હડતાળની વાર્તા પણ સંભળાવી. તેમણે કહ્યું, "મારા ભાઈ, અમે હવે આપણે સિટી હૉલમાં છીએ."
તેમણે બોદેગા માલિકોથી લઈને નર્સ સુધી, તમામ શ્રમજીવી લોકો સાથેની પોતાની વાતચીતને યાદ કરી અને કહ્યું કે, મારું અભિયાન આ લોકોના પ્રતિનિધિત્વ વિશે હતું. આજે રાત્રે તમે અમને પરિવર્તનનો આદેશ આપ્યો છે, એક નવા પ્રકારની રાજનીતિનો આદેશ આપ્યો છે. 1 જાન્યુઆરીએ, હું ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે શપથ લઈશ."
ટ્રમ્પે પણ આપી ત્વરિત પ્રતિક્રિયા
મમદાનીએ તેમના ભાષણમાં જેવી ડોનાલ્ડ ટ્રમ્પ વિશે આ વાત કરી. ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર આ વિશે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'અને આ પાછા શરુ થઈ ગયા!'

