ભારતીય મૂળના ઝોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત

New York Mayor News : અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વિરોધ અને ટીકાઓ છતાં મમદાનીએ પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્ર્યુ કુઓમો તથા રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાને હરાવીને અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લીધું છે. આ સાથે મમદાની ન્યુયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બની ગયા છે. ઝોહરાન મમદાની ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બનશે. તેઓ ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ ચૂંટણીમાં તેમને 50%થી વધુ વોટ મળ્યા હતા. જ્યારે ન્યુયોર્કના પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોને 41% તથા રિપબ્લિકન નેતા કર્ટિસ સ્લિવાને 7.3% જ વોટ મળ્યા હતા.
ટ્રમ્પના બીજા કાર્યકાળની પ્રથમ કસોટી હતી
આ ચૂંટણીને ડોનાલ્ડ ટ્રમ્પ પછીના યુગની પ્રથમ મોટી રાજકીય પરીક્ષા માનવામાં આવી રહી હતી. ન્યૂયોર્કના ચૂંટણી બોર્ડના જણાવ્યા અનુસાર, આ વખતે 20 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જે 1969 પછીની મેયરપદની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન છે. આ રેકોર્ડબ્રેક મતદાનને કારણે એન્ડ્ર્યુ કુઓમોનો ખેમો ચિંતિત હતો.
ડેમોક્રેટ્સના નવા ઉભરતા સ્ટાર
34 વર્ષીય ઝોહરાન મમદાનીએ આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ક્રાંતિકારી ફેરફારોની હિમાયત કરી છે. તેમના પ્રેરણાદાયક દ્રષ્ટિકોણ અને નીડર એજન્ડાએ ન્યૂયોર્કના હજારો યુવા સમર્થકોને તેમની તરફેણમાં કર્યા છે. મમદાનીના અચાનક ઉભારે શહેરના ધનિક વર્ગને ચોંકાવી દીધો છે. મમદાનીને તેમની ચૂંટણી ઝુંબેશમાં અમેરિકાના પ્રગતિશીલ રાજકારણના મોટા ચહેરાઓ જેવા કે સેનેટર બર્ની સેન્ડર્સ અને પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝનું પણ સમર્થન મળ્યું હતું. આ જીત સાથે, ઝોહરાન મમદાની ન્યૂયોર્કમાં ડેમોક્રેટ્સના નવા અને ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત થયા છે, જે અમેરિકન રાજકારણમાં સંભવિત મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે મમદાનીને વારંવાર "કોમ્યુનિસ્ટ" અને "કટ્ટર સમાજવાદી" ગણાવ્યા હતા, જ્યારે મમદાની પોતાને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવે છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો તેઓ અમેરિકન પ્રમુખ તરીકે ન્યૂયોર્ક શહેરને મળતું ફેડરલ ફંડિંગ (કેન્દ્રીય ભંડોળ) ઘટાડી નાખશે, કારણ કે તેમના મતે મમદાની શહેરને વિનાશ તરફ લઈ જશે.

