World

એકતરફી દાદાગીરી નહીં ચાલે વેનેઝૂએલાના સંકટ અંગે શી-જિનપિંગે ટ્રમ્પને આપેલી ચેતવણી

By GS TEAM
5 Jan 20262 mins read
એકતરફી દાદાગીરી નહીં ચાલે વેનેઝૂએલાના સંકટ અંગે શી-જિનપિંગે ટ્રમ્પને આપેલી ચેતવણી

- ચીનને વેનેઝૂએલા સાથે સારા સંબંધો છે

- ટ્રમ્પે કોલંબિયાને પણ ધમકાવ્યું છે : ગ્રીન લેન્ડ હસ્તગત કરવાની વાત કરી છે : આ સાથે યુરોપીય યુનિયન પણ ટ્રમ્પની સામે પડયું છે : ગ્રીનલેન્ડે વિરોધ કર્યો છે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝૂએલાના પ્રમુખની ધરપકડ કરી વિશ્વ રાજકારણનો મધપૂડો છંછેડી દીધો છે. આટલું ઓછું હોય તેમ તેણે વેનેઝૂએલાનાં નવા નિયુક્ત પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સને પણ ધમકી આપી દીધી છે. કોલંબિયાને પણ 'લાલ આંખ' દેખાડી દીધી છે, તો ગ્રીનલેન્ડ પણ હસ્તગત કરવાની ખ્વાહીશ જાહેર કરી. યુરોપીય સંઘને છંછેડી દીધું છે. ભારતે તે સર્વે વિષે અકળ મૌન સેવ્યું છે. જ્યારે ચીનના શી-જિંગપિંગે તો ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેઓ ખુલ્લેઆમ કહી દીધું છે કે, 'ટ્રમ્પની આ દાદાગીરી ચલાવી લેવાશે નહીં.'

ચીનના સરમુખત્યાર શી-જિનપિંગે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું છે કે, 'દરેક દેશે બીજા દેશના લોકોએ ચૂંટેલા વિકાસ-પંથોનું સન્માન કરવું જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, વેનેઝૂએલા પણ સામ્યવાદી છે. ચીન પણ સામ્યવાદી છે. બંને દેશો વચ્ચે ઘણા સારા સંબંધો પણ છે.

વેનેઝૂએલાના પ્રમુખ માદુરોનું અપહરણ કરી ન્યૂયોર્કની કોર્ટમાં હાજર કરી તેમની ઉપર તથા તેમના પત્ની બંને ઉપર કાનૂની કાર્યવાહી ચલાવવાનાં પગલાની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. 'સમરથ-કો-નહીં દોષ-ગુસાંઈ' જેવો ઘાટ ઘડાઈ ગયો છે.

ચીનની સમાચાર સંસ્થા 'શિન્હુઆ' જણાવે છે કે, 'ચીનની મુલાકાતે આવેલાં આયર્લેન્ડના વડાપ્રધાન મીશેલા માર્ટીન સાથેની મંત્રણા દરમિયાન પ્રમુખ શી જિનપિંગે આ ટીકા કરી હતી.' તેઓએ કહ્યું પરિવર્તન અને અરાજકતાથી ઘેરાયેલી દુનિયામાં એકતરફી અને દાદાગીરી ભરેલી કાર્યવાહી ચલાવી લેવાય નહીં.

આ પૂર્વે ચીનના વિદેશમંત્રી વાંગ-ચી-એ પણ ચીન-પાકિસ્તાન વિદેશ મંત્રીઓની મંત્રણા દરમિયાન ટ્રમ્પના આ પગલાંનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.