World

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો ચોરી : બાયનાન્સના 630 કરોડ ડોલર સાફ

By GS Team
31 Oct 20264 mins read
TukuTouch Logo
દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ બાયનાન્સ પર ઇતિહાસનો સૌથી મોટો સાયબર હુમલો થયો છે. ઉત્તર કોરિયાના હેકર્સે માત્ર 20 મિનિટમાં આશરે 630 કરોડ ડોલર (રૂ. 52,000 કરોડ)ની ડિજિટલ એસેટ્સ ચોરી લીધી. લોસ એન્જેલસમાં થયેલા આ હુમલાને કારણે વૈશ્વિક સ્તરે ભારે હોબાળો મચી ગયો છે. બાયનાન્સે 300 કરોડ ડોલર ફ્રીઝ કર્યા છે અને ડિપોઝીટ-વિથડ્રોલ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો ચોરી : બાયનાન્સના 630 કરોડ ડોલર સાફ
  • ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પર ઈતિહાસનો સૌથી મોટો સાયબર હુમલો, માત્ર ૨૦ મિનિટમાં હેકિંગથી હોબાળો
  • ક્રિપ્ટો એક્સચેન્જે ભાગીદાર કંપનીઓની મદદથી ૩૦૦ કરોડ ડોલર ફ્રીઝ કર્યા : ડિપોઝીટ-વિથડ્રોલ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ
  • ઉત્તર કોરિયાના હેકર્સે ૨૦ મિનિટમાં જ ૧૦ બ્લોકચેઈનમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કર્યાનો દાવો
  • બાયનાન્સના એન્જિનિયરના હેક લેપટોપ મારફત કંપનીની આંતરિક સિસ્ટમમાં ઘૂસણખોરી કરાઈ

લોસ એન્જેલસ : દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ બાયનાન્સ પર ઈતિહાસનો સૌથી મોટો સાયબર હુમલો થયો હતો. હેકર્સે ગુરુવારે મોડી રાતે માત્ર ૨૦ મિનિટમાં અંદાજે ૬૩૦ કરોડ ડોલરથી વધુ (અંદાજે રૂ. ૫૨,૦૦૦ કરોડ)ની ડિજિટલ એસેટ્સ સાફ કરી નાંખી. ક્રિપ્ટો એક્સચેન્જ બાયનાન્સે શુક્રવારે આ માહિતી જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ભારે હોબાળો મચી ગયો હતો અને રોકાણકારોને નાણાં ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે યુઝર્સના નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ એક્સચેન્જ પર ક્રિપ્ટો જમા કરાવવા અને ઉપાડવા પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાથે હેકિંગની આ ઘટના સંબંધિત ૩૦૦ કરોડ ડોલર ફ્રીઝ કરી દીધા છે.
દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાયનાન્સે હજુ સુધી સ્પષ્ટરૂપે એ બાબતની પુષ્ટી નથી કરી કે ફંડની ચોરી થઈ છે કે નહીં. કંપનીને કેટલું નુકસાન થયું છે તે હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ સંસ્થાપક ચાંગપેંગ ઝાઓએ કહ્યું કે, એવું લાગે છે કે આ એક હેકિંગની ઘટના છે. યુઝર્સને 'કૌભાંડથી સાવધ' રહેવાની ચેતવણી આપતા બાયનાન્સે કહ્યું, અમારી ટીમો સુરક્ષા સાથે સંકળાયેલી સંભવિત સમસ્યાના સમાચારોથી માહિતગાર છે અને સક્રિયરૂપે તપાસ કરી રહી છે. યુઝર્સના ફંડ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સુરક્ષા ટીમો બધી સંબંધિત માહિતીની સમીક્ષા કરી રહી છે.
એક્સચેન્જે ઉમેર્યું કે, બાયનાન્સ બધા જ નુકસાનની ભરપાઈ કરશે. તકેદારીના ભાગરૂપે અમારી ટીમ સુરક્ષા તપાસ કરી રહી છે ત્યાં સુધી ભાગીદાર કંપનીઓની મદદથી અંદાજે ૩૦૦ કરોડ ડોલરનું ફંડ ફ્રીઝ કરી રહી છે અને કાયદાકીય એજન્સીઓ સાથે મળીને કામ કરી હી છે. આ સમયમાં બધા જ ડિપોઝીટ અને વિથડ્રોલને અસ્થાયીરૂપે અટકાવી દેવાયા છે.
એનાલિસ્ટ્સ અને અમેરિકન બ્લોક ચેઈન એજન્સીઓ ટીઆરએમ લેબ્સ અને ચેનાલીસીસ મુજબ આ ઐતિહાસિક હેકિંગ પાછળ ઉત્તર કોરિયાના હેકર્સનો હાથ હોઈ શકે છે. તપાસના પ્રારંભિક પરિણામો મુજબ આ સમગ્ર હુમલાની શરૂઆત બાયનાન્સના જ એક એન્જિનિયરના હેક થયેલા લેપટોપથી થઈ. લેપટોપ મારફત હેકર્સે કંપનીની આંતરિક સિસ્ટમમાં ઘૂસણખોરી કરી અને ગેરકાયદે રીતે અબજો ડોલર કાઢી લીધા.
સૂત્રો મુજબ ભારતીય સમય મુજબ ગુરુવારે અડધી રાત પછી ૧.૩૫ કલાકે હેકર્સે ૨૦ મિનિટમાં જ ૧૦ બ્લોકચેઈનમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરી દીધી. આ ચોરી પાછલા રેકોર્ડથી લગભગ ચાર ગણી મોટી છે. આ પહેલા ફેબુ્રઆરી ૨૦૨૫માં બાયબીટ હેકમાં ૧.૫ અબજ ડોલરની ચોરી થઈ હતી, જેને એફબીઆઈએ પણ ઉત્તર કોરિયન જૂથ સાથે જોડી હતી.
બાયનાન્સમાં હેકિંગના પગલે સ્ટેબલકોઈન જાહેર કરનારી કંપનીઓ ટીથર અને સર્કલે આ ઘટનાના સંબંધમાં ગુરુવારે તેમના ફંડ ફ્રીઝ કરી દીધા છે. સર્કલના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જેરેમી એલેયરે એક્સ પર કહ્યું, તેમની કંપનીએ કાયદાકીય એજન્સીઓ સાથે મળીને ૮૦ કરોડ ડોલરથી વધુની રકમ ફ્રીઝ કરી છે. ટીથરના મુખ્ય કાર્યકારી પાઓલો અર્દોઈનોએ કહ્યું કે, કંપનીએ એક્સચેન્જે સંભવિત હેક સાથે સંકળાયેલી ૧.૫ અબજ ડોલરથી વધુની રકમ ફ્રીઝ કરી દીધી છે.
ચાંગપેંગ એક્સ પર અન્ય એક યુઝરની પોસ્ટ શૅર કરતા કહ્યું, સિંગાપોર પોલીસ મુજબ સિંગાપોરમાં લેઝરની સપ્લાય ચેઈન પર પણ અસર થઈ છે. એવું લાગે છે કે આ સુરક્ષા ભંગ ફ્રન્ટ-એન્ડ પર થયેલો એક ઈન્જેક્શન અટેક છે.
ચાંગપેંગે ૨૦૧૭માં બાયનેન્સની સ્થાપના કરી હતી. ૨૦૨૩માં તેમણે પ્લેટપોર્મ પર મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળ રહેવા સંબંધિ ગંભીર આરોપમાં પોતાનો દોષ સ્વીકારી સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું હતું. ૨૦૨૫માં પ્રમુખ ટ્રમ્પે તેમને માફી આપી હતી.

ક્રિપ્ટો કરન્સીસમાં ગભરાટભરી વેચવાલી
બિટકોઈન તૂટીને ૭૭૦૦૦ ડોલરની અંદર છ સપ્તાહના તળિયે
ઈથેરિયમ બે મહિનાના નીચા સ્તરે ૨,૧૭૮ ડોલર, બીએનબી ટોકન પણ પાંચ ટકા તૂટયો

મુંબઈ : ક્રિપ્ટો એકસચેન્જ બાયેનાન્સમાં ૬૩૦ કરોડ ડોલરના હેકિંગના અહેવાલને પગલે ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં શુક્રવારે જંગી વેચવાલી થઈ હતી. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ૭૭૦૦૦ ડોલરની સપાટીની અંદર સરકી ગયો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું.
સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. બિટકોઈન નીચામાં ૭૬૪૫૦ ડોલર અને ઉપરમાં ૮૧૭૫૦ ડોલર થઈ મોડી સાંજે ૭૭૭૦૭ ડોલર કવોટ થતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એકસઆરપી, એથરમ, સોલાનામાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈથેરિયમ ૩ ટકા ગગડીને બે મહિનાના નીચા સ્તરે ૨,૧૭૮ ડોલર પહોંચ્યો હતો જ્યારે બીએનબી ટોકન ૬.૧ ટકા તૂટીને ૭૦૯.૭૦ ડોલર થયો હતો.
બાયનાન્સના ખુલાસા છતાં ક્રિપ્ટોસ માર્કેટમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. ક્રિપ્ટોસમાં લેણ વાળાઓનું લિક્વિડેશન પણ આવી પડયું હતું જેને પગલે ભાવ પર ઘટાડા તરફી વધુ દબાણ આવ્યુ હતું. બીજી બાજુ ફુગાવા, ક્રુડ તેલના ઊંચા ભાવ તથા વૈશ્વિક ઈક્વિટી બજારમાં નબળાઈએ પણ સપ્તાહ અંતે ક્રિપ્ટોસમાં નબળાઈ ફરી વળી હતી. ક્રિપ્ટો કરન્સીઝની વૈશ્વિક માર્કેટ કેપ પણ નોંધપાત્ર ઘટી ૨.૬૧ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી.