World

એકને લાગી 830 કરોડ રૂપિયાની લોટરી અને બીજાને 125 કરોડ... પરંતુ બેમાંથી કોઈ પૈસા લેવા જ નથી આવતા

By GS TEAM
9 Oct 20253 mins read
TukuTouch Logo
આર્થિક સંઘર્ષને કારણે લોટરી ખરીદીને પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરતાં હોય એવા લોકોથી દુનિયા ભરી પડી છે. અમુક લોકો તો એટલા આશાવાદી હોય છે કે લોટરીનું નાનું ઇનામ ન જીતવા છતાં આજીવન લોટરી ખરીદતા રહે છે. દેશમાં અમુક વ્યક્તિને લાખો-કરોડોની લોટરી લાગી હોવાના સમાચાર જાણીને બાકીનાઓને પણ લોટરી ખરીદતા રહેવાની પ્રેરણા મળતી હોય છે. અલબત્ત, લોટરીની દુનિયામાં અમુકવાર એવા કિસ્સા પણ બનતા હોય છે કે જ્યારે લોટરી જીતનાર વ્યક્તિ લોટરીના નાણા લેવા આવી જ ન હોય! તાજેતરમાં જ આવા બે કિસ્સા ઓસ્ટ્રેલિયામાં બન્યા છે, જેમાં 15 મિલિયન અને 100 મિલિયન ડૉલરના ઇનામો લેવા કોઈ આવ્યું નથી!

Summarized by AI; it may make mistakes. Check important info

એકને લાગી 830 કરોડ રૂપિયાની લોટરી અને બીજાને 125 કરોડ... પરંતુ બેમાંથી કોઈ પૈસા લેવા જ નથી આવતા

Won a lottery : આર્થિક સંઘર્ષને કારણે લોટરી ખરીદીને પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરતાં હોય એવા લોકોથી દુનિયા ભરી પડી છે. અમુક લોકો તો એટલા આશાવાદી હોય છે કે લોટરીનું નાનું ઇનામ ન જીતવા છતાં આજીવન લોટરી ખરીદતા રહે છે. દેશમાં અમુક વ્યક્તિને લાખો-કરોડોની લોટરી લાગી હોવાના સમાચાર જાણીને બાકીનાઓને પણ લોટરી ખરીદતા રહેવાની પ્રેરણા મળતી હોય છે. અલબત્ત, લોટરીની દુનિયામાં અમુકવાર એવા કિસ્સા પણ બનતા હોય છે કે જ્યારે લોટરી જીતનાર વ્યક્તિ લોટરીના નાણા લેવા આવી જ ન હોય! તાજેતરમાં જ આવા બે કિસ્સા ઓસ્ટ્રેલિયામાં બન્યા છે, જેમાં 15 મિલિયન અને 100 મિલિયન ડૉલરના ઇનામો લેવા કોઈ આવ્યું નથી!

125 કરોડ રૂપિયાનું ઇનામ રેઢું પડ્યું 

7 ઑક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં કોઈ ભાગ્યશાળી વ્યક્તિ $15 મિલિયન(લગભગ 125 કરોડ રૂપિયા)ની લોટરી જીતી છે, છતાં તે હજી સુધી કોઈ ઇનામ લેવા આવ્યું નથી. લોટરીના પરિણામોની જાહેરાત થયે બે દિવસ વીતી ગયા છે, પરંતુ આ વિજેતા હજુ સુધી ગાયબ છે. લોટરીના સંચાલકો રાહ જોઈ રહ્યા છે કે, વિજેતા સામે આવે અને ઇનામ લઈ જાય, કેમ કે તેમની પાસે વિજેતાનો સંપર્ક કરવાનો કોઈ માર્ગ જ નથી. 

વિજેતા કયા વિસ્તારનો છે એટલી જ જાણકારી 

લોટરીના સંચાલકો એટલું જાણે છે કે વિજેતા ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના હન્ટર વેલ્સ પ્રદેશનો રહેવાસી છે, કેમ કે વિજેતા ટિકિટની ખરીદી ન્યુકેસલ શહેરની નજીક પૂર્વ મેટલૅન્ડ વિસ્તારમાં આવેલા સ્ટોકલૅન્ડ શોપિંગ સેન્ટર સ્થિત ગ્રીનહિલ્સ ન્યુઝ એજન્સીમાંથી કરાતી હતી. લોટરીનો ડ્રો મંગળવારે થયો હતો, જેમાં વિજેતા નંબરો 44, 46, 39, 34, 7, 15 અને 3 હતા, જ્યારે 24, 19 અને 13 પૂરક નંબરો તરીકે જાહેર થયા હતા. વિજેતાનું નામ લોટરીના મેમ્બર્સ ક્લબમાં નોંધાયેલું ન હોવાથી અધિકારીઓ તેનો સંપર્ક કરી શકતા નથી. 

આ પણ વાંચો: સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત: હંગેરીના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈને અપાયું સન્માન

ટિકિટ ખરીદનારાને સંચાલકોની જાહેર અપીલ 

ગ્રીનહિલ્સ ન્યુઝ એજન્સી દ્વારા વેચવામાં આવેલી અત્યાર સુધીની ટિકિટોમાં આ ઇનામ સૌથી મોટું હોવાથી એજન્સીના સંચાલકો ઉત્સાહમાં છે. ઇનામ વિજેતા સામે ન આવ્યો હોવાથી તેમણે ટિકિટ ખરીદનાર તમામ લોકોને જાહેર અપીલ કરી છે કે, તેઓ પોતાની ટિકિટના આંકડા બે વાર તપાસી લે. 

વિજેતાની ગેરહાજરી પાછળના સંભવિત કારણો

એવી શક્યતા છે કે વિજેતાએ ટિકિટ ક્યાંક ગુમાવી દીધી હોય જેને લીધે તેને પોતાને જ આ લોટરી લાગી હોવાની જાણ ન હોય. લોટરીના સંચાલકો એવી કોઈ વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે જે સામે આવીને પોતાની ટિકિટ ખોવાઈ ગઈ હોવાની ફરિયાદ દર્શાવે. વધુમાં, ટિકિટ ખરીદવાની જગ્યાના સીસીટીવી ફૂટેજની મદદથી પણ વિજેતાને શોધવાનો પ્રયાસ ચાલુ છે.

અગાઉ $100 મિલિયનનો જેકપોટ જીતનાર સામે નહોતો આવ્યો 

કરોડોની લોટરીનો વિજેતા સામે ન આવ્યો હોય એવી આ વર્ષની આ બીજી ઘટના છે. જૂન 2025માં, ઓસ્ટ્રેલિયાની પાવરબોલ લોટરીનો $100 મિલિયન(લગભગ 830 કરોડ રૂપિયા)નો જેકપોટ જીતનાર માણસ પણ હજુ સુધી સામે નથી આવ્યો. આ રકમ ઓસ્ટ્રેલિયાના લોટરી ઇતિહાસની ત્રીજી સૌથી મોટી ઇનામી રકમ છે. 

આ પણ વાંચો: 10મી વખત દુનિયાની નંબર-1 યુનિવર્સિટી બની ઓક્સફર્ડ, ટોપ-100માં ભારતની એકેય નહીં

કેટલા સમયમાં લોટરીનું ઇનામ મેળવી લેવાનું હોય છે? 

ન્યુ સાઉથ વેલ્સમાં લોટરીના નિયમો મુજબ કોઈપણ વિજેતાને જીતની જાહેરાતના દિવસથી છ વર્ષના સમયગાળામાં ઈનામનો દાવો કરવાનો હોય છે. આનો અર્થ એ થયો કે વર્તમાન $15 મિલિયનના વિજેતા પાસે ઇનામનો દાવો કરવા માટે હજુ લગભગ 6 વર્ષનો સમય છે. જો આ સમયસીમા સુધીમાં કોઈ દાવો નહીં કરવામાં આવે, તો આ સંપૂર્ણ રકમ રદ થઈ જશે.