અમેરિકામાં મહિલા ગુનેગારને બે વખત ઝેરી ઈન્જેક્શન આપવા છતાં બચી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટેનેસીમાં મૃત્યુદંડની સજા મેળવનારી મહિલાનો ગજબ કિસ્સો
- ક્રિસ્ટા પાઈક નામની મહિલા ગુનેગારે બે ઈન્જેક્શન બાદ દોઢ કલાક સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યો : સારવાર શરૂ કરાઈ
- 1995માં ક્રિસ્ટા પાઈકે બોયફ્રેન્ડ સાથે મળીને ક્લાસમેટની હત્યા કરી હતી: હવે તેને મૃત્યુદંડમાંથી માફી આપવા વકીલોની રજૂઆત
નેશવિલે : અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક મહિલાને મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તેને હાથમાં ઝેરી ઈન્જેક્શન આપવામાં આવ્યું. પહેલાં ઈન્જેક્શનથી તેનું મૃત્યુ થયું નહીં તો બીજું ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું. બબ્બે ઝેરી ઈન્જેક્શન શરીરમાં જવા છતાં તે બચી ગઈ એટલે ખૂબ જ ગંભીર હાલતમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. નસીબના જોરે બબ્બે વખત બચી ગયેલી આ મહિલાની મૃત્યુદંડની સજા માફ કરવાની માંગણી ઉઠી છે.
બોયફ્રેન્ડની ક્લોઝ ફ્રેન્ડની હત્યા કરી
ક્રિસ્ટા પાઈક નામની કોલેજ સ્ટૂડન્ટે ૧૯૯૫માં બોયફ્રેન્ડ સાથે મળીને તેની ક્લાસમેટની હત્યા કરી હતી. ક્લાસમેટનો વાંક એટલો હતો કે તે ક્રિસ્ટાના બોયફ્રેન્ડની ખૂબ ક્લોઝ થઈ રહી હતી. આખરે ક્રિસ્ટા અને તેના બોયફ્રેન્ડે મળીને કોલિન સ્લેમર નામની ક્લાસમેટને અવાવરુ જગ્યાએ મળવા બોલાવીને રહેંસી નાખી હતી. એટલું જ નહીં, ક્રિસ્ટાએ કટરથી તેને કાપી નાખી હતી.
સુપ્રીમ સુધી લડી છતાં મોતની સજા યથાવત રહી
આ ઘટના પછી ક્રિસ્ટા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ થઈ હતી. ક્રિસ્ટાને ટેનેસીની કોર્ટે ૧૯૯૬માં મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેના બોયફ્રેન્ડને આજીવન કારાવાસ મળ્યો હતો. એ પછી ક્રિસ્ટાએ ટેનેસીની ઉચ્ચ કોર્ટથી માંડીને અમેરિકાના સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી. બધી જ કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલ્યો, પરંતુ ક્રિસ્ટાની સજા ઘટી ન હતી.
ટેનેસીમાં ૨૦૦ વર્ષમાં મૃત્યુદંડ મેળવનારી પહેલી મહિલા
લાંબી કાયદાકીય લડાઈને અંતે ૨૦૨૫માં ટેનેસીની સરકારે કોર્ટમાં ક્રિસ્ટાની મોતની સજાનો અમલ કરવા માટે તારીખ મેળવી હતી. કોર્ટે ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૬ની તારીખ નક્કી કરી હતી. ટેનેસીના ૨૦૦ વર્ષના ગુનાખોરીના ઈતિહાસમાં ક્રિસ્ટા મૃત્યુદંડ મેળવનારી પહેલી મહિલા બનવાની હતી. નક્કી કરેલા દિવસોમાં ક્રિસ્ટાને પેંટોબાર્બિટલનું ઝેરી ઈન્જેક્શન અપાયું હતું. જે દિવસે ઈન્જેક્શન આપવામાં આવ્યું તે દિવસે તબીબોને તેની નસ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. ક્રિસ્ટાના શરીરમાં પહેલેથી જ નસ મેળવવામાં આવી મુશ્કેલી આવતી હતી. નસ શોધી લીધા બાદ ક્રિસ્ટાને પહેલું ઈન્જેક્શન આપ્યું હતું, પરંતુ મિનિટો પછી પણ તેને અસર ન થઈ. સામાન્ય રીતે આ ઝેરી પ્રવાહી શરીરમાં જાય કે ૧૦-૧૫ મિનિટમાં શરીર ચાલતું બંધ થઈ જાય, પરંતુ ક્રિસ્ટા જીવતી રહી.
મૃત્યુદંડમાંથી ઉગરી જવાનો રેર કિસ્સો
આખરે જેને બેકઅપ ડોઝ કહેવાય એ અપાયો. બીજું ઝેરનું ઈન્જેક્શન આપ્યા બાદ પણ તે ઓલમોસ્ટ બેભાન જેવી હાલતમાં થઈ છતાં મૃત્યુ ન પામી. પરિણામે ડેથ ચેમ્બરમાંથી તેને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી. તેના વકીલોએ હવે મૃત્યુદંડમાંથી માફી આપવાની માંગણી કરી છે. ભાગ્યે જ બનતો આવો કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.




