અમેરિકા ધાક ધમકી બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝ નહીં ખોલીએઃ ઇરાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇરાને હવે અમેરિકા સમક્ષ નવી માંગો મૂકી
- હોર્મુઝને લઈ ઇરાનની નવી માંગના લીધે અમેરિકા સાથેની મંત્રણા અદ્ધરતાલ રહી જાય તેવી સંભાવના
- ઇરાને ફરી પાછો હોર્મુઝમાંથી પસાર થતાં જહાજ પર હુમલો કર્યો, અબુધાબીના સરકારી જહાજ પર એટેક
વોશિંગ્ટન : ઇરાનના પોલિટબ્યૂરો જેવા એકમ સુપ્રીન નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે અમેરિકા તેની વર્તણૂક સુધારશે નહીં ત્યાં સુધી હોર્મુઝ નહીં ખોલીએ. આ નવી માંગના કારણે હોર્મુઝ જળમાર્ગનું સંચાલન કરવા માટે ચાલતી મંત્રણા પર હવે સંકટના વાદળ ઘેરાયા છે. ઇરાનનું કહેવું હતું કે ફક્ત યુદ્ધનો અંત જ નથી લાવવાનો ભવિષ્યમાં પણ અમેરિકા ક્યારેય ધમકી ન આપે તેમ કરવાનું છે.
ઇરાનની કાઉન્સિલના સેક્રેટરી મોહ્મદ બાઘેર જે શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર પણ છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ હવે પછી ક્યારેય ઇરાનને ધમકીઓ નહીં આપવાની. ઇરાન અને ેઆ વિસ્તારમાં તેના સહયોગીઓ સાથેના યુદ્ધનો અંત આવે. અમેરિકાએ ઇરાનીયન બંદરોની કરેલી ઘેરાબંધી ઉઠાવી દેવાય. આ વિસ્તારમાંથી તેનું લશ્કર દૂર કરાય. ઇરાનને થયેલા નુકસાનનું વળતર અપાય અને તેના પરના પ્રતિબંધો દૂર કરાય તથા તેની સ્થગિત થયેલી એસેટ્સ મુક્ત કરાય. ઇરાનની આ માંગો અંગે અમેરિકા તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
અબુધાબીની સરકારી માલિકીની કંપની એડનોક ઓઇલ એન્ડ ગેસની માલિકીરું જહાજ હોર્મુઝી ખાડીમાંથી પસાર થતુ હતુ ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇરાને કોમર્સિયલ શિપિંગ પર હુમલો કરવાની તેની વ્યૂહરચનાના ભાગરુપે આ હુમલો કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે શનિવારે થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. યુદ્ધ શરુ થયા પછી હોર્મુઝમાંથી પસાર થતાં ડઝનેક જહાજો પર ઇરાન હુમલો કરી ચૂક્યું છે. આ ઉપરાંત દિવસના અંત ભાગમાં ઓમાનના ખાસાબ ટાઉન નજીકથી જતાં જહાજ પર હુમલો થયો હતો અને તેના કારણે તેમા આગ લાગી હતી, પરંતુ જહાજ અને ક્રૂ બંને સલામત છે. ઇરાન અને ઓમાન વચ્ચે હાલમાં હોર્મુઝની ખાડીનું સંચાલન કરવા વાટાઘાટ ચાલી રહી છે.
ઇરાન ભલે તેની શરતો ટ્રમ્પ પાસેથી મનાવવામાં સફળ થાય અને પોતે જીતી ગયા હોય તેમ માનતું હોય, પરંતુ વાત સાવ પૂરી પણ થઈ ગઈ નથી. તેમને લાગે છે કે અમે ટ્રમ્પને ઘેરી લીધા છે, પરંતુ આ વ્યૂહરચનાના ભારે જોખમ પણ છે. જો ટ્રમ્પને પોતાની આગવી મર્યાદાઓ છે અને નવેમ્રમાં વચગાળાની ચૂંટણી છે તો ઇરાનને પણ ઘરઆંગણે પડકારો કંઇ ઓછા નથી.
ઇરાન જાણે છે કે અમેરિકા પાસે તેના મિસાઇલોને રોકતા એડવાન્સ્ડ ઇન્ટરસેપ્ટરનો જથ્થો ખૂટી પડવાના આરે છે. આ સિવાય ટ્રમ્પે છેડેલું યુદ્ધ અમેરિકામાં એકદમ બિનલોકપ્રિય છે. તેઓ જાણે છે કે જ્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રહેશે ત્યાં સુધી ક્રૂડ ઓઇલ-ગેસના ભાવ ઊંચા રહેશે અને તેના કારણે અમેરિકન અર્થતંત્ર પર દબાણ જળવાશે. જ્યારે તેમને ઊંચા ભાવનો ફાયદો મળશે.
ઇરાનીયનો સારી રીતે જાણે છે કે હોર્મુઝ ખોલાવવું હોય તો અમેરિકા માટે તે ગ્રાઉન્ડ ઓપરેશન વગર શક્ય નથી. આ માટે મોટાપાયા પર અમેરિકન લશ્કરની જરુર પડે. તેઓ સારી રીતે જાણે છે કે યમનમાં હૂથી સહયોગીઓ યુદ્ધનો વ્યાપ વિસ્તારી શકે છે. આમ તર્કની રીતે જોઈએ તો અમેરિકન પ્રમુખ માટે જાણે ઇરાન સાથે હોર્મુઝને લઈને ડીલ કર્યા વગર છૂટકો જ નથી તેવું લાગે.જો કે ઇરાનની આ વ્યૂહરચનાના અનેક ભયસ્થાનો પણ છે.
હવે ટ્રમ્પ પાસેના વિકલ્પોમાં જોઈએ તો તે હજી પણ ઇરાનની ટોચની નેતાગીરીમાં એક પછી એકને ખતમ કરી શકે છે. ટ્રમ્પ એકબાજુ કહેતા રહ્યા છે કે ઇરાન સાથે વાતચીત સારી રીતે ચાલી રહી છ. ઇરાનનું પોતાનું અર્થતંત્ર જ જોઈએ તો લગભગ ખતમ થવાના આરે છે. ફુગાવો દ્વિઅંકી નહીં પરંતુ ત્રિઅંકીએ લગભગ પહોંચી જ ગયો છે. અમેરિકાની ઘેરાબંદીના લીધે ઇરાનને આર્થિક મોરચે મોટો ફટકો પડયો છે. યુદ્ધના ગણતરીના મહિના પહેલા ઇરાને કલ્પ્યા ન હોય તેવા સામૂહિક દેખાવોનો સામનો કર્યો હતો. આ દેખાવોને હજારો લોકોનો નરસંહાર કરીને ક્રૂરતાથી દબાવી દેવામાં આવ્યા હતા. અમેરિકા-ઇઝરાયેલના હુમલાઓએ ઇરાનનો ઇન્ડસ્ટ્રીયલ બેઝ ખતમ કરી નાખ્યો છે. તેની બધી નિકાસ અટકી ગઈ છે. ઇરાને જો ઝડપથી આર્થિક સ્થિતિ નહીં સુધારી તો અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પૂરી થયા પછી ઇરાનની સ્થિતિ વધુ બગડી શકે છે.
આ દરમિયાન ઓઇલ ટેન્કર ઓમાનના દરિયાકિનારે ડૂબી ગયું છે. તેના કારણે અહીં ઓઇલના કદડાની નિકાલ મોટી સમસ્યા બની શકે છે. તેના કારણે આ વિસ્તારના દરિયાઈ પ્રાણીઓને અસર થઈ શકે છે. આ દરમિયાન યુમનના હુથી બળવાખોરો પર યમનની સેનાએ હુમલો કર્યો છે. યુએને ચેતવણી આપી છે કે આ યુદ્ધ આગળ જતાં વધુ તીવ્ર બની શકે છે.









