World

ઈરાન સામે યુદ્ધમાં અમેરિકા સાથે કૂદશે ઈઝરાયલ? નેતન્યાહૂ તૈયાર, ટ્રમ્પ લેશે અંતિમ નિર્ણય

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ઈરાનના બુશહર સહિતના મહત્ત્વના સ્થળો પર હુમલા કર્યા. ઈરાન મિડલ-ઈસ્ટમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. હવે આ જંગમાં ઈઝરાયેલની એન્ટ્રીની શક્યતા વધી છે. ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી બાદ ઈઝરાયલ ઈરાન પર હુમલા કરવા તૈયાર છે. આ યુદ્ધ થોડા દિવસ ચાલુ રહી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સામે યુદ્ધમાં અમેરિકા સાથે કૂદશે ઈઝરાયલ? નેતન્યાહૂ તૈયાર, ટ્રમ્પ લેશે અંતિમ નિર્ણય

US-Iran War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી મહાયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. એકતરફ અમેરિકાએ ઈરાનના બુશહર અને ચાબહાર સહિતના મહત્ત્વના સ્થળો પર ભયાનક હુમલા કર્યા છે, તો બીજીતરફ ઈરાન ફરી મિડલ-ઈસ્ટના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યું છે. આ આક્રમક હુમલાઓ વચ્ચે હવે આ જંગમાં ઈઝરાયલની એન્ટ્રી થવાની સંભાવના પણ વધી ગઈ છે. અહેવાલો મુજબ, ઈઝરાયલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી મળ્યા બાદ ઈરાન પર સૈન્ય હુમલા કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.

નવું યુદ્ધ હજુ થોડા દિવસ ચાલુ રહેશે
ઈઝરાયેલની મીડિયા 'કેન' અને 'ન્યૂયોર્ક પોસ્ટ'ના અહેવાલો મુજબ, ઈઝરાયલના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલું આ યુદ્ધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં જો ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે તો ઈરાન વિરોધી સૈન્ય અભિયાનમાં ઈઝરાયલની મદદ લઈ શકે છે.

અમે અમેરિકાના સમર્થનમાં યુદ્ધ માટે તૈયાર: ઈઝરાયલ
રિપોર્ટમાં એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, "જો જરૂર પડશે તો અમે ઈરાન પર ફરી સૈન્ય કાર્યવાહી કરીશું. અમે અગાઉ પણ અમેરિકાનું સમર્થન કરીને આ વાત સાબિત કરી બતાવી છે. ઈઝરાયલ ફરી કોઈ નવું યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ ઈરાન જે પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ કરી રહ્યું છે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં."

યુદ્ધમાં સીધા જોડાવાનો ઈઝરાયલી સેનાનો ઇન્કાર
બીજીતરફ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF)ના અધિકારીઓએ જણાવ્યું છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધમાં ઈઝરાયલ સીધેસીધી કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે. સેનાનું માનવું છે કે, ઈરાન પણ આ સંઘર્ષમાં ઈઝરાયલને ઘસડવા માંગતું નથી, તેથી આગામી સમયમાં ઈઝરાયલ પર કોઈ મોટો હુમલો થાય તેવી આશંકા નહિવત છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતાં ઈઝરાયલી સેના કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે હાઇ ઍલર્ટ પર છે.

ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજો પર કર્યા હતા હુમલા
આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન સેનાએ દાવો કર્યો છે કે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ(શાખા)માંથી પસાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલા કર્યા હતા, જેના જવાબમાં જ આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે થયેલી અંતિમ સમજૂતી હવે ખતમ થઈ ચૂકી છે. અમેરિકાએ ઈરાન સાથેની વાતચીતમાં ઘણો સમય ગુમાવ્યો છે, તેથી હવે આગામી સમયમાં કોઈપણ પ્રકારની વાટાઘાટો થવાની કોઈ સંભાવના નથી.